કોઠારાથી જખૌ વાયા વાંકુ-લાલા રોડ કામમાં મોટાપાયે ગાલમેલ

રોડ વાઈડનીંગ કામમાં સાઈડોમાં કાંકરી ભરવાના બદલે માટીથી પુરાણ થતું હોઈ પહેલા ચોમાસામાં જ રોડ બેસી જવાની ફરીયાદ કચ્છ ભાજપના લઘુમતિ મોરચાના મંત્રી મામદ સંઘારે વ્યક્ત કરી

 

નલીયા : કોઠારાથી જખા વાયા વાંકુ-લાલા રોડના કામમાં મોટા પાયે ગાલમેલ કરાતી હોવાની ફરીયાદ કચ્છ જીલ્લા ભાજપ લઘુમતિ મોરચાના મંત્રી મામદભાઈ સંઘારે વ્યક્ત કરી એસટીમેટ મુજબ કામ ન થતું હોવાનું જણાવ્યું હતું.
હાલ આશરે રૂા.૧૪ કરોડના ખર્ચે કોઠારાથી જખૌ વાયા વાંકુ-લાલાના રોડ વાઈડનીંગનું કામ રાજ્યના માર્ગ-મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.જેમાં એસ્ટીમેટ મુજબ રોડ વાઈડનીંગનું કામ હોઈ સાઈડો ખોદી તેમાં કાંકરીનું પુરાણ કરવાનું હોય છે પણ કામ કરનારી એજન્સી દ્વારા કાંકરી સાથે માટી મિશ્રણ કરી કામ કરાતું હોવાની ભાજપ અગ્રણી દ્વારા ફરીયાદ વ્યક્ત કરાઈ છે.લાલાના ખેડુત અગ્રણી મામદભાઈ સંઘારે જણાવ્યું હતું કે આ કામમા મોટાપાયે ઘાલમેલ કરવામાં આવી રહી છે.હાલ થઈ રહેલું કામ એકદમ તકલાદી છે, કારણ કે રોડની સાઈડો ખોદી વાઈડનીંગમાં કાંકરીની ભરતી કરવાના બદલે કાંકરી સાથે એજન્સી દ્વારા માટી મિશ્રણ કરવામાં આવી રહી છે.જેના લીધે ચોમાસામાં માટી બેસી જશે અને સાઈડો બેસી જાય તેવી ભીતી છે.આ કામમાં જ્યાં ગામના રસ્તા આવે છે તે ભાગોને તો એમ જ માટી ભરી મુકી દેવામાં આવે છે.અને ઉપર ડામર ચડાવાશે એટલે ગામોને જોડતા રસ્તા પણ બેસી જાય અને ચોમાસામાં પાણી ભરાય તેવી ભીતી છે.આ માર્ગ એકદમ અગત્યનો છે.ડબલરોડ બને છે અને પોર્ટ સાથે સંરક્ષણ સંસ્સાઓ માટે પણ આ રસ્તો બહુ ઉપયોગી થવાનો હોઈ થઈ રહેલા માર્ગના કામમાં જો ગુણવત્તા નહીં જળવાય તો રાજ્ય સરકાર દ્વારા જે હેતુ માટે રસ્તો બની રહ્યો છે તે હેતુ સાર્થક થશે નહીં, સાથે સરકારી નાંણાનો દુર્વ્યય પણ થયા તેમ છે.આ અંગે શ્રી સંઘાર દ્વારા સબંધિતોને ટેલીફોનીક જાણ કરી થઈ રહેલી ગોલમાલની જાણ કરાઈ હતી.નલીયાની કચેરીના જવાબદારો પણ કામ ઉપર હાજર નહીં રહેતા હોવાની પણ ફરીયાદો હોઈ યોગ્ય મોનીટરીંગ પણ નહીં થતું હોવાની ફરીયાદો ઉઠી રહી છે.
આથી અગાઉ નલીયાથી જખૌ રોડ કામ વખતે પણ નબળું કામ હોઈ તે રસ્તો આજે વાહન ચાલકો માટે માથાનો દુઃખાવો સાબીત થયેલ છે તેવી હાલત આ કામની ન થાય તે માટે માર્ગ-મકાન વિભાગ સવેળા જાગી ગુણવત્તા જળવાય તેવી પગલા લે તેવી માંગ શ્રી સંઘારે વ્યક્ત કરી હતી.
આ બાબતે માંડવી માર્ગ-મકાન વિભાગના ઈન્ચાર્જ નાયબ કાર્યપાલક ઈજનેર મયંક શાહનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, ટેન્ડરની શરતો પ્રમાણે જ આ માર્ગનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જેમાં કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવી રહી નથી તેમ છતાં જો કોઈને કામગીરી સામે શંકા હોય તો સ્થળ પર પણ કામની ગુણવત્તા તેઓને ચકાસાવી શકાય છે.