કોટામાં અઢી લાખ લોકોએ યોગ કરીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

કોટાઃ ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે દેશભરમાં મોટી સંખ્યામાં યોગાભ્યાસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા. આ કડીમાં રાજસ્થાનના રાજ્ય સ્તરના યોગ કાર્યક્રમ અંતર્ગત યોગ ગુરુ બાબા રામદેવે ગુરુવારે સવારે કોટામાં બે લાખથી અધિક લોકોની સાથે યોગ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો. કાર્યક્રમમાં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ પણ પહોંચી હતી.ઉલ્લેખનીય છે કે, બાબા રામદેવે એક દિવસ પહેલા જ બુધવારે લોકોને યોગાભ્યાસ કરાવ્યો હતો. કાર્યક્રમમાં મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ હાજર રહ્યાં હતાં.મોટી સંખ્યામાં યોગાભ્યાસની સાથે કેટલાય બીજા અનેક રેકોર્ડ બન્યા હતા. આ દરમિયાન ૫ વર્ષથી લઇને ૧૦૦ વર્ષ સુધીના લોકોએ યોગ કર્યા હતા. યોગાભ્યસ દરમિયાન અહીં એક વ્યક્તિએ ૧ કલાક ૩ મિનીટ સુધી શિર્ષાસન કર્યું હતું, અગાઉનો રેકોર્ડ ૧ કલાકનો હતો. સાથે એક વ્યક્તિએ અઢી હજાર પુશઅપ્સ કર્યા હતા.