કોટડા જડોદર પાસે ટ્રક હડફેટે એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે મોત

માતેલા સાંઢની માફક આવતા ટ્રકે ટક્કર મારતા સર્જાઈ કરૂણાંતિકાઃ પોલીસ ઘટના સ્થળે : આધેડના મોતથી પરિવારજનોમાં ગમગીની

 

નખત્રાણા : તાલુકાના કોટડા જડોદર નજીક આવેલ સંતકૃપા હોટલ સામેના માર્ગ ઉપર માતેલા સાંઢની માફક દોડતા ટ્રકે એક્ટિવાને ટક્કર મારતા ચાલકને ગંભીર ઈજાઓ થવાથી ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું.
પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ જીવલેણ અકસ્માતનો બનાવ આજે સવારે કોટડા જડોદર નજીક આવેલ સંતકૃપા હોટલ સામેના માર્ગ પર બનવા પામ્યો હતો. એક્ટિવા પર જઈ રહેલા ધનજીભાઈ લખુભાઈ તુરી (બારોટ) (ઉ.વ.પપ) (રહે. નવાનગર, નખત્રાણા)ને કાળમુખી ટ્રકે હડફેટે લઈ રોડ પર પાડી દેતા ગંભીર પ્રકારની ઈજાઓ થતાં સ્થળ પર જ મોત આંબી ગયું હતું. અકસ્માત બાદ ૧૦૮ પણ તાબડતોબ બનાવ સ્થળે દોડી આવી હતી. પરંતુ એક્ટિવા ચાલકનું સારવાર નશિબ નિવડે તે પૂર્વે જ મોત આંબી ગયું હતું. અકસ્માતના બનાવની જાણ થતાં જ નખત્રાણા પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મરનારના મૃતદેહને પીએમ માટે નખત્રાણા સરકારી હોસ્પિટલમાં મોકલી આપવા કાર્યવાહી હાથ ધરાઈ હતી. એક્ટિવા ચાલકનું માર્ગ અકસ્માતમાં મોત થતા પરિવારજનો તથા સગા – સંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.