કોકલીયામાં યુવાને ઝેરી દવા પી મોતની સોડ તાણી

મોમાયમોરા ગામે રસોઈ બનાવતા દાઝેલી યુવાન પરિણીતાનું મોત

માંડવી : તાલુકાના કોકલીયા તેમજ મોમાયમોરા ગામે અપમૃત્યુના બે બનાવો બનવા પામ્યા હતા. કોકલીયાના યુવકે ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન બેભાન અવસ્થામાં જ દમ તોડી દીધો હતો. જ્યારે મોમાયમોરામાં રસોઈ બનાવતા દાઝેલ પરિણીતાનું મોત થવા પામ્યું હતું. યુવાન પરિણીતાના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા
અનુસાર માંડવી તાલુકાના કોકલીયા ગામે રહેતા લખમશી મંગલ મહેશ્વરી (ઉ.વ.૪૦) એ ગત તા.ર૦/૪ના બપોરના કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી તેને સારવાર માટે ભુજ જીકેમાં દાખલ કરાયો હતો અને સારવાર દરમ્યાન રાત્રીના પોણા દસ કલાકે દમ તોડી દીધો હતો. ગઢશીશા પોલીસે એડી દાખલ કરી તપાસ હાથ ધરી હતી. આ બાબતે તપાસનીશ હેડ કોન્સટેબલ બાયઠના ઉપથાણાના ખુમાનસિંહ જાડેજાનો સંપર્ક સાધતા હતભાગીએ દવા પીધેલ ત્યારથી તે બેભાન રહ્યો હતો અને તેનું ડીડી કે નિવેદન લેવાયું ન હતું અને સારવાર દરમ્યાન મોત થતા દવા પીવા પાછળના કારણો હજુ સુધી સ્પષ્ટ થઈ શકેલ નથી.
બીજી તરફ મોમાયમોરા ગામે રહેતી નૈનાબેન ભરતભાઈ ખીમજી સંઘાર (ઉ.વ.ર૧) ગતરાત્રીના સાડા દસથી અગિયારના અરસામાં પોતાના ઘરે પ્રાયમસ ઉપર રસોઈ બનાવતી હતી ત્યારે સાડીનો છેડો પ્રાયમસ ઉપર પડતા દાઝી ગયેલ તેને સારવાર માટે ભુજ જીકેમાં લાવવામાં આવી હતી પરંતુ સારવાર મળે તે પહેલા ફરજ પરના તબીબે મૃતજાહેર કરી દેતા ગઢશીશા પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કર્યો હતો. મરનારનો લગ્નગાળો ૪ માસનો હોઈ મૃત્યુ પાછળના ચોક્કસ કારણો જાણવા માટે ભુજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એન.વી. પટેલે તપાસ હાથ ધરેલ છે. યુવાન પરિણીતાના મોતથી પરિવારજનોમાં શોકનું મોજુ છવાઈ જવા પામ્યું હતું.