કોંગ્રેસ ૪ વર્ષ જૂના જિલ્લા-તાલુકા પ્રમુખો બદલશે

 સૌરાષ્ટ્રના આગેવાનો સાથેની બેઠકમાં પ્રમુખની સાફ વાત : ઓબ્ઝર્વરોની નિમણૂક શરૂ, મેરજા, વારોતરિયા, કાંબલિયા ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી ઝોનના ઇન્ચાર્જ બનાવાયા : પક્ષવિરોધી પ્રવૃતિ કરનાર ચમરબંધીને પણ નહી છોડાય, બેઠકમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ખાતરી

અમદાવાદ : અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે સૌરાષ્ટ્રના કોંગ્રેસના આગેવાનો, ધારાસભ્યો અને નિમંત્રીત પદાધિકારીઓ સાથે પ્રદેશ પ્રમુખ બન્યા પછી પહેલીવાર અમિત ચાવડાએ મેરેથોન મંથન બેઠક યોજી હતી. જેમાં સૌરાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો, સંગઠનમાં ફેરફાર અને પક્ષ વિરોધી કામ કરનારની રજૂઆત સહિતની ચર્ચા વિચારણા થઇ હતી. જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ઉપસ્થિત તમામ અગ્રણી સભ્યોને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યુ હતું કે ગઇ કાલને ભૂલીને આપણે આવતી કાલ ઉપર ધ્યાન આપવાનું છે. આગામી સમયમાં સંગઠનના માળખાની પૂનઃ રચના કરવામાં આવશે. જે મુજબ ચાર વરસ જુના જિલ્લા અને તાલુકા કોંગ્રેસ પ્રમુખોને બદલવામાં આવશે. આ ઉપરાંત પક્ષ વિરોધી કામ કરનારા અંગે ઓબ્વ્ઝર્વર માહિતી મોકલશે તેના આધારે કોઇ ચમરબંધીને પણ છોડવામાં નહી આવે. તેમણે કોંગી યુવા નેતાઓને ખાસ અપીલ કરી હતી કે સંગઠનનું માળખું અત્યાર સુધી ઉપરથી નીચે ટોપ ટુ બોટમ બનતું હતું પરંતુ હવે બોટમ ટુ ટોપ બનશે. જિલ્લા ક્ક્ષાએ ઓબ્વ્ઝર્વર બુથ લેવલ સુધી કાગમીરી કરી સંગઠનનું માળખુ ઉભુ કરવાનું રહેશે. જેમાં દરેક બુથ દીઠ પ્રથમ બે કાર્યકરો તૈયાર કરવા જણાવાયુ હતું. આ બેઠકમાં સૌરાષ્ટ્રના જુદા જુદા ચાર ઝોન માટે ઓબ્ઝર્વરની નિમણૂંક કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમા ભાવગનર, સુરેન્દ્રનગર, બોટાદ અને અમરેલી ઝોન માટે ઓબ્ઝર્વર તરીકે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, ભીખુભાઇ વારોતરીયા અને ધરમ કાંબલિયાની નિયુકતી કરવામાં આવી હતી. રાજકોટ સહિત જિલ્લાઓના ઓબ્ઝર્વરની નિયુકિત પણ એક બે દિવસમાં થવાની સંભાવના છે. બ્રિજેશ મેરજાના જણાવ્યા મુજબ હવે અમો સંગઠનને બેઠુ કરવા માટે પ્રદેશ પ્રમુખના માર્ગદર્શન મુજબ બુથ લેવલ સુધીની કામગીરી કરીશુ. સૌ પ્રજમ તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષાએ બુથ લેવલ સુધી કામગીરી કરીશુ. આ માટે દરેક બુથ દીઠ બે કાર્યકરો જેમાં એક મહિલા અને એક પુરુષની નિયુકતિ કરીશું. આ બેઠકમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનારા કેટલાક નેતાઓ પણ હાજર હતાં. તેમને ઉદેશીને અન્ય સભ્યોએ જણાવ્યુ હતું કે ઓબ્ઝર્વર સામે આવા લોકો વટથી સંગઠનમાં સ્થાન શોભાવે છે. આ અનુસંધાને પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યુ હતું કે પક્ષ વિરોધી કામ કરનાર અંગે હવે કોઇ પણ ઓબ્ઝર્વર રજૂઆત કરશે તો તેને ખુબ જ ગંભીરતાથી લેવાશે. ગમે તે ચમરબંધી નેતા હશે એ પક્ષના વિરોધમાં પ્રવૃતી કરશે તો તેની સામે કડક પગલા લેવાશે. તેમણે જણાવ્યુ હતું કે સંગઠનમાં તાજગી લાવવા તાલુકા અને જિલ્લા કક્ષાએ ચાર વરસથી જે કોંગ્રેસ પ્રમુખો હશે તેને બદલાવવામાં આવશે. એકંદરે આ બેઠકમાં આગામી લોકસભાની તૈયી રૂપે સંગઠનને ગામડા સુધી નવસર્જન કરવાની તૈયારીનો નિર્દેશ અપાયો હતો. સૌરાષ્ટ્રના આગેવાનો, ધારાસભ્યો અને નિમંત્રીત પદાધિકારીઓ સાથે નવનિયુકત પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાની બેઠક શુક્રવારે મળી હતી. જેમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કર્યુ છે, એટલું જ નહી પક્ષે તેને ખુલાસા નોટીસ ફટકારી છે તેવા અગ્રણીઓની પણ હાજરી હોવાથી કચવાટ જોવા મળતો હતો. ?