કોંગ્રેસ થકી ‘ચા’વાળો બન્યો  PM

ખડગેનો વડાપ્રધાન પર પ્રહારઃ અમે લોકશાહીને સુરક્ષિત રાખી : સાત દાયકામાં કોંગ્રસે શું કર્યુના મોદીના સવાલનો અપાયો જવાબ

મુંબઈઃ લોકસભામાં કોંગ્રેસના નેતા અને પાર્ટીના મહારાષ્ટ્રના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક કાર્યક્રમમાં સવાલ ઉઠાવે છે કે કોંગ્રેસે છેલ્લાં ૭૦ વર્ષોમાં શું કર્યું? તેમના જેવો એક ચાવાળો એટલે દેશનો વડાપ્રધાન બની શક્યો કારણકે અમે લોકતંત્રની રક્ષા કરી. ખડગેએ એવો પણ આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર દરેક મોરચે નિષ્ફળ રહી છે.ખડગેએ કહ્યું, “મોદી, ઇંદિરા ગાંધી, રાજીવ અને સોનિયા ગાંધીને નિશાનો બનાવે છે. આ બીજેપીની વિચારપૂર્વકની રણનીતિ હેઠળ થાય છે. કોંગ્રેસ પાર્ટી એક પરિવાર છે અને અમે તેના સભ્યો છીએ. મોદી ૪૩ વર્ષ પહેલાની કટોકટીની વાત કરે છે, પરંતુ દેશમાં છેલ્લાં ૪ વર્ષથી જે બિનજાહેર કટોકટી ચાલી રહી છે, તેનું શું? ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. સરકારની કૃષિને લઇને બનાવેલી યોજનાઓ નિષ્ફળ રહી છે. ખેડૂતોને નવી લોન નથી મળી રહી. વેપારની ગતિ પણ ધીમી છે. બીજી બાજુ સરકાર પોતાના કામકાજના પ્રસારમાં કોઇ કસર નથી છોડી રહી. લોકોની જીંદગીમાં ‘અચ્છે દિન’ ત્યારે જ આવશે જ્યારે મોદી સરકાર જતી રહેશે.”
ખડગેએ કહ્યું, “જો કોંગ્રેસ મહારાષ્ટ્રમાં જીતી જાય તો લોકસભા ચૂંટણીમાં પણ જીત અમારી થશે. કેન્દ્રમાં જીત મહારાષ્ટ્ર પર નિર્ભર કરે છે.” કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું કે પાર્ટી ઓગસ્ટના છેલ્લા અઠવાડિયા અથવા સપ્ટેમ્બરની શરૂઆતથી રાજ્યના ૬ હિસ્સાઓમાં પ્રદર્શન કરશે. તેમાં રાહુલ ગાંધી પણ સામેલ થઇ શકે છે.