કોંગ્રેસ ચૂંટણીમાં લોકસભા બેઠક દીઠ એક મહિલાને ટિકિટ આપશે

નવી દિલ્હી : ગુજરાત રાજયમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ૧૮૨માંથી ૨૬ બેઠક પરથી મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવે તેવી શકયતા વ્યકત થઈ રહી છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સૌરાષ્ટ્રની મુલાકાતમાં મહિલા સશકિતકરણ માટેની કટિબદ્ઘતા વ્યકત કરી હોવાથી આગામી ચૂંટણીમાં વધુને વધુ મહિલાઓને મેદાનમાં ઉતારવામાં આવે તેવું મનાય રહ્યું છે. કોંગ્રેસે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. વળી, રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીત અને રાહુલ ગાંધીની મુલાકાતમાં જનતાના સાંપડી રહેલાં સ્વયંભુ પ્રતિસાદ અને રાહુલની ૫૦ ટકા મહિલા અનામતની તરફેણને પગલે મહિલા ઉમેદવારોમાં આ વખતે ટિકિટ મળવાની આશાનો સંચાર થયો છે અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે.કોંગ્રેસ ઉપાધ્યક્ષની સૌરાષ્ટ્રની મુલાકાત પૂરી થતાં જ પ્રદેશ કોંગ્રેસમાં વિધાનસભાની દાવેદારીની ચર્ચા ફરી શરૂ થઈ ગઈ છે. રાહુલ ગાંધીએ જસદણ અને ચોટીલામાં આંગણવાડીની મહિલાઓ સાથેના વાર્તાલાપમાં કોંગ્રેસ હંમેશા મહિલા સશકિતકરણની તરફેણમાં હોવાનું જણાવી પંચાયતી રાજમાં મહિલાઓને ૩૩ ટકા અનામતનો ઉલ્લેખ કર્યો હતો.એટલું જ નહીં, પંચાયતથી પાર્લામેન્ટ સુધી મહિલાઓને ૫૦ ટકા અનામત આપવા અંગે મોદી સરકારને પત્ર લખ્યો હોવાની બાબતનો ઉલ્લેખ કરતાં જ કોંગ્રેસની મહિલા કાર્યકરોમાં ચૂંટણી લડવાનો થનગનાટ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના આંતરિક વર્તુળોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આગામી ચૂંટણીમાં દરેક લોકસભા વિસ્તારમાં આવતી વિધાનસભાની સાત બેઠકમાંથી એક બેઠક મહિલા ઉમેદવારને ફાળવવામાં આવે તેવી પૂરી શકયતા છે. જો કે, આ અંગે સત્ત્‌।ાવાર રીતે કોઈ નિર્ણય લેવાયો નથી, પરંતુ ઉમેદવારોની પસંદગી કરતી સ્ક્રિનીંગ કમિટી સમક્ષ જીતી શકે તેવી સક્ષમ મહિલાઓને ટિકિટ આપવા અંગે ચર્ચા થઈ ચૂકી છે.જોકે, વાસ્તવિકતા જોઈએ તો અત્યારસુધીની ચૂંટણીમાં કોંગ્રેસને જીતી શકે તેવા ગણ્યાંગાંઠ્‌યા મહિલા ઉમેદવારો મળે છે, પરંતુ આ વખતે કોંગ્રેસ તરફી વાતાવરણ હોવાનું જણાઈ રહ્યું છે અને હાઈકમાન્ડ પણ મહિલાઓને ચૂંટણી લડવા પ્રોત્સાહીત કરતા હોવાથી મહિલા ઉમેદવારોનો રાફડો ફાટે તેવી શકયતા છે. નોંધનીય છે કે, ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ૧૪ મહિલાઓને ઉમેદવાર બનાવ્યા હતા. જેમાંથી મોરવા હડફ, ગરબાડા, વિરમગામ અને ગાંધીનગર જિલ્લાની દહેગામ બેઠકના કોંગી મહિલા ઉમેદવારો વિજયી બન્યા હતા. જો કે, મોરવા હડફના મહિલા સભ્યનું ચૂંટણી પરિણામના દિવસે જ અવસાન થતાં આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી અને આ બેઠક ભાજપને ફાળે ગઈ હતી.