કોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો

રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા સહિતના રાજ્યોમાં દિગ્ગજ નેતાઓનો આંતરકલહ સપાટી પર

ગુજરાતમાં પણ જીવાભાઈ, બાવળિયા, વિક્રમ માડમ, મોહમ્મદ પીરઝાદા સહિતનાઓની પ્રદેશ મોભીઓ સામે ખુલ્લીને બહાર આવી નારાજગી

 

નવીદિલ્હી : ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસમાં હંમેશા જૂથબંધી સપાટી પર આવતી હોય છે અને આ જૂથબંધી હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો બને છે.
પાંચ રાજ્યોમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી માટે પણ પાર્ટીમાં જૂથબંધી મોટો પડકાર છે.
કોંગ્રેસને રાજસ્થાનમાં સત્તા મળવાની વધારે આશા છે. જોકે રાજસ્થાનમાં જૂથબંધી ચરમમસીમા પર છે. કયા નેતા કોને મળે છે ક્યાં જાય છે તેની પૂરી જાણકારી બીજા પાસે છે. જેને કારણે ટિકિટ વાચ્છુંઓ પરેશાન છે. કોંગ્રેસમાં સરહદ પણ નક્કી કરવાની ચર્ચા છે. ઉદેપુરમાં આવનારી બેઠકો પર ટિકિટ સી.પી.જોશીના કહેવા પર મળશે. જોધપુરના કર્તાહર્તા અશોક ગેહલોત અલવર અને ભરતપુરમાં, જિતેન્દ્રસિંહ જયપુર અને અજમેર સચિન પાયલટના હવાલે છે. જેનાથી કાર્યકરો પરેશાન છે. જોકે રાજ્યના પ્રભારી અવિનાશ પાંડેએ આવી ખબરોનું ખંડન કર્યું છે.
મધ્યપ્રદેશમાં કમલનાથને કમાન સોંપ્યા બાદ પણ રાહુલ ગાંધી તમામ નેતાઓ સાથે સંપર્કમાં રહેવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જ્યોતિરાદિત્ય સિંધિયા, દિગ્વિજયસિંહ, સુરેશ પચૌરી, અજયસિંહ, અને અરુણ યાદવનું અલગ જૂથ છે. મધ્યપ્રદેશમાં માહોલ કોંગ્રેસને અનુકૂળ લાગી રહ્યો છે. તેથી અહીં જૂથબંધી
સપાટી પર છે.
છત્તીસગઢની વાત કરીએ તો પ્રભારી પી.એલ. પુનિયાએ કોંગ્રેસના પૂર્વ નેતા અજિત જોગી સાથે કોઈપણ પ્રકારે ગઠબંધનથી ઈન્કાર કર્યો છે. જોકે બીએસપી સાથે વાતચીત ચાલી રહી છે. જેને કારણે પાર્ટીના ઘણા નેતા પરેશાન છે. પાર્ટીના કોષાધ્યક્ષ મોતીલાલ વોરાની છત્તીસગઢ રાજ્યમાં દખલગીરી પણ રહેતી હોય છે. મોતીલાલ વોરાની અદાવતને કારણે અજિત જોગીએ કોંગ્રેસ છોડવું પડ્‌યું હતું. ત્યારે છત્તીસગઢમાં કોંગ્રેસ માટે અજિત જોગી પડકારરૂપ છે. તો ભૂપેશ બધેલ અને ટી.એસ.સિંહદેવ વચ્ચે પણ આંતરિક મતભેદ છે.
ઓડિશામાં કોંગ્રેસ હાંશિયામાં છે. કોંગ્રેસની લડાઈ ભાજપ નહીં પણ બીજુ જનતા દળ છે. ભાજપે ઓડિશામાં કોંગ્રેસ માટે વિપક્ષનું સ્થાન પણ છીનવી લીધું છે. જેને કારણે કોંગ્રેસને વધુ મહેનત કરવાની છે. કોંગ્રેસને પાર્ટીમાંથી પલાયન થતા લોકોને રોકવાનું મોટું કામ છે. તેવામાં પાર્ટીના તમામ જૂથને એક સાથે લઈને ચાલવાનો પણ મોટો પડકાર છે. મહત્વનું છે કે પાર્ટીને એકજૂથ રાખવા અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના નેતાઓ માટે મોટો પડકાર છે. પરંતુ મુશકેલી એ છે કે બધાને કેવીરીતે ખુશ રાખી શકાય.