કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ આકરા પાણીએ : પ૦ આગેવાનોને નોટીસ અપાઈ

અમદાવાદઃ રાજય વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ પક્ષમાં વ્યાપક પ્રમાણમા
પક્ષ વિરોધી પ્રવૃત્તિઓની ફરીયાદ સામે આવેલ હતી. ત્યારે ચુંટણી સમયે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરીને પાર્ટીને વિજયથી વંચિત રાખનાર નેતાઓ સામે કાર્યવાહી શરુ કરવામાં આવી છે, જે અંતર્ગત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ૫૦ આગેવાનોને નોટિસ ફટકારી છે. તેમજ આ નોટિસમાં આગેવાનો પાસે એવો ખુલાસો માંગવામાં આવ્યો છે કે, તેમની સામે શા માટે શિષ્તભંગની કાર્યવાહી ન કરવામાં આવે. આ ખુલાસો રજુ કરવા માટે નેતાઓને ૫ દિવસનો સમય આપવામાં આવ્યો છે, જોકે કયા ૫૦ નેતાઓને નોટિસ ફટકારાઈ છે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. કોંગ્રેસ સુત્રોનુ કહેવુ છે કે આ નેતાઓ સાથે કાર્યવાહી અંગે જિલ્લા પ્રમુખોનો પણ અભિપ્રાય લેવામાં આવશે. ત્યારબાદ કાર્યવાહી કરાશે. દરમિયાન બનાસકાંઠામાં જિલ્લા પંચાયતની ચુંટણી પહેલા ચાલી રહેલ વિવાદ મુદ્દે જિલ્લા કોંગ્રેસ પ્રમુખને તેમના પદ પરથી હટાવી દેવાયા છે. જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ ઝાકિર ચૌહાણ પર ટિકિટ માટે પૈસા લેવાનો આરોપ હતો. જેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે. ઝાકિર ચૌહાણની જગ્યાએ અત્યારે દિનેશ ગઢવીને ચાર્જ સોંપવામાં આવ્યો છે. મહત્વનુ છે કે, કોંગ્રેસ દ્વારા હાથ ધરવામાં આવેલી વિધાનસભાની ચુંટણીના પરિણામોની સમીક્ષા દરમિયાન મોટાપાયે પક્ષ વિરોધી પ્રવૃત્તિ થઈ હોવાનુ સામે આવ્યુ હતું. તેમજ કેટલાક નેતાઓ પોતાના સમર્થકોને ટિકિટ ન મળવાથી નારાજ થઈને ચુંટણી પ્રચારથી દૂર રહ્યા હતા. જે અંગે રાહુલ ગાંધી સમક્ષ પણ રજુઆત કરવામાં આવી હતી.