કેલિફોર્નિયાની એક બિલ્ડિંગમાં ગોળીબાર, એક બાળક સહિત ૪નાં મોત

(જી.એન.એસ.)કેલિફોર્નિયા,અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયામાં ગુરુવારે ફાયરિંગની ઘટનામાં ૪ લોકોના મૃત્યુ થયા છે. તેમાં એક બાળક પણ સામેલ છે. પોલીસની જવાબી કાર્યવાહીમાં શંકાસ્પદનું ગોળી વાગવાથી મૃત્યુ થયું છે અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. ફાયરિંગનો હેતુ હજી સુધી જાણી શકાયો નથી.પોલીસના જણાવ્યા મુજબ ઘટના બુધવારે સાંજે ૫.૩૦ વાગ્યે લોસ એન્જલસની દક્ષિણ સ્થિત ઓરેન્જ શહેરની છે. પોલીસ અધિકારી જેનિફર અમેટેએ જણાવ્યું કે પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા પછી ફાયરિંગ શરૂ થયું. જવાબી કાર્યવાહીમાં શંકાસ્પદ પણ ઘાયલ થયો છે.
આ પહેલા ફિલાડેલ્ફિયા શહેરમાં ૨૬ માર્ચે એક શખ્સે બારની બહાર ભીડ પર ફાયરિંગ કર્યું હતું. તેમાં ૭ લોકો ઘાયલ થયા હતા. અત્યાર સુધીમાં આ મામલામાં કોઈ ધરપકડ થઈ નથી.૨૨ માર્ચે બાઉલ્ડરમાં એક શંકાસ્પદ આરોપીએ સુપર માર્કેટમાં આડેધડ ગોળીઓ વરસાવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, કોલોરાડોના કિંગ સુપર માર્કેટમાં આ ઘટનામાં ૧૦ લોકોના મૃત્યુ થયા હતા. તેમાં એક લોકલ પોલીસ અધિકારી પણ સામેલ હતા. પોલીસે મામલામાં એક શંકાસ્પદની ધરપકડ કરી હતી.ગત વર્ષે અમેરિકામાં બંદૂકોના વેચાણનો રેકોર્ડ બન્યો હતો. હેન્ડગન અને રાઈફલ સહિત કુલ ૨.૧ કરોડ બંદૂકોનું વેચાણ થયુ હતું. તે ૨૦૧૯ની સરખામણીમાં ૬૦ ટકા વધુ છે. આ પહેલા ૨૦૧૬માં ૧.૬ કરોડ બંદૂકો વેચાવવાનો રેકોર્ડ નોંધાયો હતો.