કેરોસીન રેડી કચ્છી ગૃહિણીને જીવતી સળગાવાતા મોતઃ સાસુ-પતિની ધરપકડ

ઘાટકોપરની ગૃહિણી સાથે થાણેમાં સાસરિયે બની કમકમાટીભરી ઘટના

મુંબઈઃ થાણેમાં બનેલી કમકમાટીભરી ઘટનામાં પુત્રીને શાળામાં એડિ્‌મશન માટે જરૂરી દસ્તાવેજો લેવા માટે આવેલી ઘાટકોપરની કચ્છી ભાનુશાલી સમાજની ગૃહિણીને સાસુએ કથિત રીતે જીવતી સળગાવી હતી. સળગતી હાલતમાં ઘરની બહાર દોડેલી મહિલાની મદદે આવેલા પડોશીઓએ તેને હૉસ્પિટલમાં દાખલ તો કરાવી, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. આ મામલે પોલીસે ગૃહિણીની સાસુ ઉપરાંત પતિની પણ ધરપકડ કરી હતી.
વાગળે એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર શુક્રવારે સાંજે સાત વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં ગૃહિણી દક્ષા અશોક મંગે (ઉ.વ.૩૦) ૭૦ ટકા દાઝી ગઈ હતી. ગંભીર હાલતમાં તેને થાણેની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન શનિવારે રાતે ૧૧ વાગ્યાની આસપાસ તેણે દમ તોડ્યો હતો. આ મામલે શુક્રવારે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી દક્ષાના પતિ અશોક મંગલદાસ મંગે (૪૦) અને સાસુ જમનાબહેન મંગે (૭૯)ની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેમને ૧૭ એપ્રિલ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. પોલીસના કહેવા અનુસાર હૉસ્પિટલમાં મહિલાનું મૃત્યુ થયું હોવાથી હવે આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવશે. ખાનગી કંપનીમાં કામ કરતા અને થાણેના રઘુનાથ નગર સ્થિત વાલદાસ આશિષ સોસાયટીમાં રહેતા અશોકનાં લગ્ન ઘાટકોપરની દક્ષા સાથે ૧૨ વર્ષ અગાઉ થયાં હતાં.
ફરિયાદમાં જણાવાયું હતું કે છેલ્લા કેટલાક સમયથી અશોક અને તેની માતા જમનાબહેન દક્ષાને શારીરિક અને માનસિક ત્રાસ આપતાં હતાં. નાની નાની વાતને લઈ અશોક પત્નિ પર હાથ સુધ્ધાં ઉપાડતો હતો.
પરિણામે કંટાળીને દક્ષા અઢી મહિના અગાઉ ૧૦ વર્ષની પુત્રી દીક્ષા સાથે તેના પિયર ઘાટકોપર રહેવા જતી રહી હતી. પિયર જ રહેવા માગતી દક્ષા પુત્રીને નજીકની શાળામાં એડિ્‌મશન અપાવવાનું વિચારી રહી હતી. આ માટે જરૂરી દસ્તાવેજો લેવા માટે તે શુક્રવારે સાંજે સાસરે ગઈ હતી. તે પૂર્વે તેણે પતિને ફોન કરી આ બાબતે જાણ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે ઘટના સમયે અશોક બહાર ગયો હોવાથી તેની માતા જમનાબહેન ઘરમાં એકલી જ હતી. પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે દક્ષા અને જમનાબહેન વચ્ચે ઝઘડો થયો હતો. રોષમાં આવી જમનાબહેન દક્ષાને ખેંચીને કિચનમાં લઈ ગઈ હતી. ત્યાર બાદ તેના શરીર પર કેરોસીન રેડી દીવાસળી ચાંપી હતી અને પોતે ઘરની બહાર જતી રહી હતી. સળગતી હાલતમાં મદદ માટે બૂમો પાડતી આ મહિલા ઘરની બહાર દોડી હતી. તેની પુત્રીએ પણ રોકકળ કરી મૂકતાં પડોશીઓ દોડી આવ્યા હતા. આગ બુઝાવી પડોશીઓ તેને હૉસ્પિટલમાં લઈ ગયા હતા.