કેમ્પ હનુમાન મંદિર અન્ય જગ્યાએ ખસેડવાની અરજી હાઇકોર્ટે ફગાવી

(જી.એન.એસ.)અમદાવાદ,અમદાવાદમાં ૧૫૦ વર્ષ જૂના કેમ્પ હનુમાન મંદિર રિવરફ્રન્ટ ખસેડવા સામેની જાહેરહિતની આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે અરજદારની રજૂઆત સાંભળીને કહ્યું હતું કે ટ્રસ્ટને નિર્ણય લેવા દો, તમે તેમના તરફી કેમ વાત કરો છો. અરજદારે રજૂઆત કરી હતી કે હું તેમની તરફથી, નહીં તેમની વિરુદ્ધમાં છું, કારણ કે આ નિર્ણય ના લેવાવો જોઈએ. આ મંદિર સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. હાઈકોર્ટે કહ્યું હતું કે અમારે આ બાબતે કહેવાની જરૂર નથી. તે લોકોને કહેવા દો અને તમને કંઈ યોગ્ય લાગે તો પીઆઇએલ દાખલ કરો.ટ્રસ્ટે કહ્યું હતું કે અમે તમામની સંમતિથી નિર્ણય લીધો છે અને હજી આ બાબત શરૂઆતના તબક્કામાં છે. અમે હજી કોઈ ઠોસ નિર્ણય નથી લીધો. અમે લોકોને મંદિરમાં દર્શન કરવામાં સરળતા રહે અને કન્ટેન્મેન્ટને ડિસ્ટર્બ ના થાય એ માટે વ્યવસ્થા ઈચ્છીએ છીએ. હાઈકોર્ટે અરજદારની અરજી ફગાવી દીધી હતી. હવે આ અંગે ટ્રસ્ટ, સેન્ટ્રલ ગવર્નમેન્ટ અને રાજ્ય સરકાર નિર્ણય લેશે.