કેબિનેટ મંત્રી બન્યાના ગણતરીના કલાકોમાં જ્યોતિરાદિત્યનુ ફેસબૂક એકાઉન્ટ હેક


(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,કેન્દ્રીય મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યાના ગણતરીના કલાકોમાં જ હેકર્સે જ્યોતિરાદિત્ય સિંધિયાનુ ફેસબૂક એકાઉન્ટ હેક કરી લીધુ હતુ.એકાઉન્ટ પરથી તેમનો એક જુનો વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો.જેમાં જયોતિરાદિત્ય કોંગ્રેસની પ્રશંસા કરતા નજરે પડે છે.ઉલ્લેખનીય છે કે, જ્યોતિરાદિત્યને નાગરિક ઉડ્ડયન વિભાગના કેબિનેટ મંત્રી બનાવાયા છે.જોકે એકાઉન્ટ હેક કરવા અંગે કોઈ ફરિયાદ થઈ નથી.જ્યોતિરાદિત્યની ટીમના સભ્યોએ આ એકાઉન્ટને તરત જ રિકવર કરી લીધુ હતુ.એક હિન્દી અખબારના અહેવાલ પ્રમાણે રાત્રે એક વાગ્યે આ ઘટના બની હતી અને સિંધિયાની નજીકના લોકોએ આ વાતને સમર્થન આપ્યુ હતુ.એકાઉન્ટ પરથી જે વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો તેમાં તેઓ કોંગ્રેસના વખાણ કરતા જોઈ શકાય છે.જોકે એકાઉન્ટ કોણે હેક કર્યુ હતુ તેની જાણકારી હજી સુધી મળી શકી નથી.એક્સપર્ટની ટીમ આ બાબતની જાણકારી મેળવવાના પ્રયાસો કરી રહી છે.
યોગાનુયોગ એ પણ છે કે,જ્યોતિરાદિત્યને જે વિભાગનો હવાલો અપાયો છે તે જ વિભાગ યુપીએ સરકારના સમયમાં તેમના પિતા પણ સંભાળી ચુકયા હતા. મંત્રી બનાવાયા બાદ જ્યોતિરાદિત્યના નિવાસ સ્થાને તેમના સમર્થકોનો જમાવડો જોવા મળી રહ્યો છે.