કેન્દ્રીયમંત્રી શંભુનાથની બિદડા ખાતેની સભામાં ૧૦પ૦ કોંગ્રેસના આગેવાનો – કાર્યકરો ભાજપમાં જોડાયા

માંડવી : ભુજ બાદ કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ અનુસુચિત જાતિ મોરચાના અધ્યક્ષ શંભુનાથ ટુંડીયાએ માંડવીના બિદડા ખાતે સભાને સંબોધન કર્યું હતું. બિદડામાં આવેલા રામ મંદિરના પટાંગણમાં વિશાળ જનસભા યોજાઈ હતી. ભુજની જેમ માંડવી ખાતે પણ શંભુનાથજીએ ભાજપ સરકારે કરેલા વિકાસ કાર્યોની વાત કરી હતી. જેમાં દલિતોના વિકાસ માટે ભાજપે વિવિધ યોજનાઓ અમલી બનાવીને દલિતોનું માન સંમાન વધાર્યું છે.
ભાજપે આઝાદી બાદ દલિતોને થયેલા અન્યાયનો બદલો છેલ્લા ૨૨ વર્ષોમાં ચુકવી આપ્યો છે. તો કેન્દ્રમાં પણ ભાજપાની સરકાર રચાયા બાદ ગરીબો અને વંચિતો માટે વિવિધ પ્રકારની યોજનાઓ અમલી બનાવાઈ છે તેવી વાત શંભુનાથ ટુંડીયાએ કરી હતી. બિદડા ખાતેની જાહેર સભામાં મુંદરા તાલુકાના ૧ હજાર ૫૦ જેટલા કાર્યકરો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. જેમાં મુંદરા ગ્રામ પંચાયતના ૨૦ નંબરના વોર્ડના સભ્ય કિરણભાઈ ધુઆ તેમની સાથેના ૨૦૦ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા. પત્રીના સરપંચના ઉમેદવાર હેમંત ધેડા ૧૦૦ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા. મુંદરા કોળી સમાજના ૨૫૦ પરિવારોએ ભાજપ સાથે હાથ મિલાવ્યો હતો. બારોઈના પ્રિતીબેન મહેશ્વરી તેમની સાથેની ૨૫૦ મહિલાઓ સાથે ભાજપમાં જોડાણ કર્યું હતું. બારોઈના સરપંચ જીવણજી જાડેજાએ પણ પોતાની સાથેના ૨૫૦ જેટલા કાર્યકરો સાથે ભાજપમાં જોડાણ કર્યું હતું.
બિદડા ખાતે યોજાયેલી સભામાં સાંસદ વિનોદ ચાવડા, તારાચંદ છેડા, નિમાબેન આચાર્ય, રમેશ મહેશ્વરી, માંડવી બેઠકના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજા, ચેતન ભાનુશાલી, નરેશ મહેશ્વરી, શૈલેન્દ્રસિંહ જાડેજા, અનિરૂદ્ધ દવે, સુજાતાબેન ભાયાણી, નરેન્દ્ર પિઠડીયા તેમજ અશોક મહેશ્વરી સહિતના મહાનુભાવો સહિત ભાજપના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.