કૃત્રિમ માનવ અંગો બનાવવા રાજ્યના દરેક જિલ્લામાં સેન્ટર ઉભા કરાશે

અમદાવાદ : અકસ્માતના કારણે ઘણી વખત વ્યક્તિએ ઈજા થતા અંગો ગુમાવવા પડે છે. આવા લોકો માટે પ્રોસ્થેટિક (કૃત્રિમ) અંગો આશીર્વાદરૂપ બની શકે છે. અત્યાર સુધી ગુજરાતમાં એક માત્ર અમદાવાદ સિવિલ હોસ્પિટલ સ્થિત
પેરાપ્લેજીયા ઈન્સ્ટિટ્યૂટમાં કૃત્રિમ અંગો તૈયાર થઈ રહ્યા હતા, પણ હવે સમગ્ર ગુજરાતમાં જિલ્લા સ્તરે કૃત્રિમ અંગો બનાવવા સેન્ટર્સ ઊભા કરવા તૈયારીઓ
પુરજોશમાં શરૂ કરાઈ છે. જિલ્લા સ્તરે આવા સેન્ટર ઊભા થવાના કારણે જરૂરિયાતમંદ વ્યક્તિને કૃત્રિમ હાથ-પગ, કાન-નાક, વગેરે જેવા અંગો ઘર આંગણે મળી શકશે..કમિશનરેટ ઓફ ટ્રાન્સપોર્ટ, ગુજરાત દ્વારા જાહેર થયેલા આંકડાં મુજબ વર્ષ રાજ્યમાં ૨૦૧૭માં કુલ ૧૯,૦૮૧ રોડ અકસ્માત થયા હતા, જેમાં ૭,૨૮૯ લોકોના
મૃત્યુ થયા હતા. જ્યારે ૧૬,૮૦૨ વ્યક્તિને ઈજા પહોંચી હતી. ઈજા પામેલા લોકોમાં ઘણાએ પોતાના અંગો ગુમાવવા પડ્‌યા હતા. ગુજરાતમાં દર વર્ષે સરેરાશ ૨૦ હજાર રોડ અકસ્માત થાય છે. જેમાં સંખ્યાબંધ લોકોને ગંભીર ઈજાના કારણે
હાથ-પગ અથવા અન્ય અંગો ગુમાવવા પડે છે. આવા લોકો માટે કૃત્રિમ અંગો બનાવવા માટેનો સાડા ચાર વર્ષનો ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ કોર્સ અમદાવાદ સિવિલ સ્થિત પેરાપ્લેજીયા ઈન્સ્ટિટ્યૂટમાં ચાલી રહ્યો છે..
ઈન્સ્ટિટ્યૂટના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર ડૉ. સંજય કાપડીયાએ કોર્સ અંગે વિગતો
આપતા કહ્યું કે, ધો. ૧૨ સાયન્સનો અભ્યાસ કર્યો હોય એવા દરેક વિદ્યાર્થી આ કોર્સમાં પ્રવેશ મેળવી શકે છે. સરકારે ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ કોર્સ માટે દસ બેઠકો મંજૂર કરેલી છે. વિદ્યાર્થીઓ માટે આ કોર્સ કરવા સરકારે બિલકુલ નજીવી ફી નક્કી કરેલી છે..