કુમારના શપથગ્રહણ સમારોહમાં મમતા નારાજ

દેવગૌડા સમક્ષ વ્યક્ત કરી નારાજગી

બેંગ્લુરૂ : કર્ણાટકના બેંગલુરૂમાં કુમારસ્વામીના શપથગ્રહણ સમારોહમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પહોંચ્યા હતા. મમતા બેનર્જી એ સમયે ઉગ્ર થઇ ગયા જ્યારે તેમને કાર્યક્રમ સ્થળ પર પહોંચવા માટે ટ્રાફિકજામનો સામનો કરવો પડ્‌યો હતો.
ઉલ્લેખનીય છે કે બેંગલુરૂમાં બુધવારે યોજાયેલ કુમારસ્વામીના શપથ ગ્રહણ સમારોહને લઇને વાહનોની લાંબી લાઇનને લઇને રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેને લઇને મમતા બેનર્જીને વિધાનસભા પહોંચવા માટે થોડુ ચાલીને આવવું પડ્‌યું હતું.
બેંગલુરૂમાં ખરાબ ટ્રાફિક વ્યવસ્થાથી નારાજ મમતા બેનર્જીએ મંચ પર હાજર કર્ણાટકના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) નીલમણિ રાજુને આડે હાથ લીધા હતા અને ખરાબ વ્યવસ્થાને લઇને ફરિયાદ કરી હતી. મમતા બેનર્જીનો ગુસ્સો અહીં જ શાંત નહોતો થયો.
ત્યારબાદ મમતા બેનર્જી ગુસ્સામાં કુમારસ્વામી તેમજ પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા પાસે પહોંચ્યા હતા. જ્યાં મમતા બેનર્જીએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. આ પૂરી ઘટના એક વીડિયોમાં કેદ થઇ ગઇ હતી. તૃણમુલ કોંગ્રેસ સુપ્રીમો મમતા બેનર્જી ખરાબ ટ્રાફિક વ્યવસ્થાને લઇને ડીજીપી પર ભડક્યા હતા તે તે વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે બુધવારે જેડીએસના કુમારસ્વામીએ કર્ણાટકના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યાં હતા. તેમની શપથગ્રહણ વિધીમાં વિપક્ષના તમામ નેતાઓ પહોંચ્યા હતા. કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકારના શપથગ્રહણ સમારોહમાં અંદાજે વિપક્ષના બધા દળના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા.