કુપવાડામાં ૪ આતંકવાદીઓ ઠાર

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં એક એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ આતંકવાદીઓ કુપવાડાના હલમતપોરા વિસ્તારમાં છૂપાયા હતા.પોલીસે જણાવ્યું છે કે હલમતપોરા વિસ્તારમાં છૂપાયેલા આતંકવાદીઓએ સેનાની રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ-કાશ્મીર
પોલીસના સ્પેશ્યલ ઓપરેશન્સ ગ્રુપની ટુકડી પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટના બાદ સુરક્ષાદળોની વધારાની કુમક ઘટનાસ્થળે ધસી ગઈ હતી. સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં અહીં છૂપાયેલા ચાર આતંકવાદીઓ ઠાર મરાયા હતા. એન્કાઉન્ટર બાદ પણ આ વિસ્તારમાં છેલ્લા અહેવાલ મુજબ કોમ્બિંગ ઓપરેશન ચાલુ હતુ. ગત સપ્તાહે શ્રીનગરમાં ભાજપના નેતા પર હુમલા બાદ કરવામાં આવેલી કાર્યવાહીમાં ત્રણ આતંકવાદીઓ ઠાર થયા હતા અને ત્રણ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા.