કુનરિયા પ્રાથમિક શાળાએ ૨૮ બાળકોનાં ઘરઆંગણે છોડ રોપી તેમનું ધોરણ ૧ માં નામાંકન કરાવ્યું

શાળા પ્રવેશોત્સવ મારો ઉત્સવ…. બાળકના માનસમાં આ ભાવ ઉદભવે એવો નવતર અભિગમ કચ્છ જિલ્લાની કુનરીયા પ્રાથમિક શાળાએ આ વર્ષે શાળા પ્રવેશોત્સવમાં અમલી કર્યો છે. વૈશ્વિક મહામારી કોવીડ-૧૯ કોરોનાના પગલે બાળકોના સ્વાસ્થ્ય માટે ચિંતિત સરકારે પ્રતિ વર્ષ ઉજવાતો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ગત વર્ષની જેમ આ વર્ષે પણ નથી મનાવ્યો. પરંતુ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કુનરીયા ગામે આ વર્ષે ધોરણ ૧ માં પ્રવેશ પાત્ર એવા ગામના ૨૮ બાળકોના ઘરે શાળા શિક્ષકો અને એસએમસી કમિટિના સભ્યોએ પહોંચી બાળકોનું શાળામાં નામાંકન કરાવ્યું. શાળા આપના દ્વારે આ વિચાર સ્કુલ મેનેજમેન્ટ કમિટિ, (એસએમસી) ની મીટીંગમાં દરેકને આવ્યો અને કોરોના કાળમાં બાળકને શાળા સામે ચાલી ધોરણ ૧ માં પ્રવેશ અપાવવા ગઇ. ત્યાં પ્રવેશપાત્ર બાળકને માત્ર શૈક્ષણિક કીટ અને પ્રવેશ પત્ર જ નહીં પણ યાદગીરી રૂપે એક છોડ પણ તેના ઘરના આંગણમાં રોપવામાં આવ્યો. જેની ઉછેરની જવાબદારી બાળકના વાલીને સોંપવામાં આવી. આ સાથે પ્રાથમિક શાળાના બાળકો જ્ઞાન સેતુ ચોપડી દ્વારા વિષય સજ્જતા કેળવે એ માટે રાજય સરકારે તૈયાર કરેલી ચોપડી પણ આપવામાં આવી હતી. કુનરીયાના કુમળા ૨૮ જેટલાં બાળકોનાં આંગણે કરંજ, લીમડો, સ્પ્તપર્ણી, ગુલમહોર જેવા વૃક્ષો ઉછરશે, તેમની શૈક્ષણિક કારર્કિદીની સાથે !! શિક્ષણ સાથે પર્યાવરણ જતનના પાઠ ભણશે, આ બાળકો અને તેમના ભાઇ ભેરૂઓ પણ !!! ભણતર સાથે જીવનના ગણતરને પ્રકૃતિ સાથે ઉછેરવાની સમાજની ઉતમ અને આગવી પહેલને તમામ ગ્રામજનોએ હર્ષભેર વધાવી અને સ્વીકારી છે. વૃક્ષની સાથે બાળ માનસમાં પણ હરહંમેશ યાદ રહેશે કે શાળા પ્રવેશોત્સવ એ મારો મહોત્સવ…………ખરેખર પ્રકૃતિ અને પર્યાવરણનો પ્રેમ બાળ માનસમાં સીંચવામાં આવે તો સમાજ અને બાળમાનસ બંનેમાં હરિયાળી ખીલેલી રહે છે. આ ઉમદા કાર્યમાં જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, સરપંચશ્રી સુરેશ છાંગા, દામજી ચાડ, ઉમેશ રૂદાણી, બી.આર.સી., એસ.એમ.સી., એમ.એસ.સી. ના સભ્યો, શિક્ષકો, બાળકો અને ગામ લોકો આનંદીત થઇ જોડાયા હતા.