કુખ્યાત નિખિલ દોંગાને ભુજ હોસ્પિટલમાંથી ભાગવામાં મદદ કરનાર વધુ બે આરોપીના જામીન મંજુર

ભુજ : સૌરાષ્ટ્રના કુખ્યાત ગુનેગાર નિખિલ દોંગાને ભુજ હોસ્પિટલમાંથી ભાગવામાં મદદ કરનાર આરોપી નિકુંજ દોંગા અને વિજય સાંગાણીને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા છે.આ કેસની વિગતો મુજબ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ચકચાર જાગેલી તે સૌરાષ્ટ્રના નામચીન આરોપી નિખિલ ઉર્ફે નિકુંજ રમેશભાઈ દોંગાને ભુજ જેલમાંથી સારવાર અર્થે ભુજ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જયાંથી તે ભાગી જતા પુરા ગુજરાતની પોલીસને ધંધે લાગી હતી. બનાવના દિવસે રાત્રીના સમયે ભરત નામનો વ્યકિત અને અજાણ્યા વ્યકિતની મદદગારીથી પોલીસ જાપ્તામાં રહેલા પોલીસ કર્મચારીઓની બેદરકારીના કારણોસર ભુજ હોસ્પિટલમાંથી કારમાં સવાર થઈ નિખિલ દોંગા નાશી જતા પુરા ગુજરાતમાં ચકચાર જાગી હતી. જે ગુના અંગે ભુજના બી ડિવિઝન પોલીસ મથકમાં નિખિલ અને તેને ભગાડવામાં મદદ કરનાર આરોપીઓ સામે ફરિયાદ દાખલ થઈ હતી. બાદ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. આ કેસમાં ધરપકડ થયેલા અને જેલ હવાલે કરવામાં આવેલા આરોપી રાજકોટના નિકુંજ તુલસીભાઈ દોંગા તથા માધાપરના વિજય વિઠ્ઠલભાઈ સાંગાણીએ કરેલ જામીન અરજ ભુજની સેશન્સ અદાલતે રદ કરતા તેમના વકીલ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરી હતી. બંને પક્ષોની દલિલો સાંભળ્યા બાદ તેમજ ગુનાની સજાની જોગવાઈ, આરોપીઓનું સોસાયટીમાં સ્થાન, ટ્રાયલ સમયેની હાજરી વગેરે તમામ હકીકતોને ધ્યાને લઈ આરોપી નિકુંજ દોંગા અને વિજય સાંગાણી હાઈકોર્ટે જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.