કુકમા રેલવે જંકશને ટ્રેનના એન્જિન હડફેટે આવી જતા યુવકનું કરૂણ મોત

ભુજ : કચ્છમાં અવાર નવાર ટ્રેન હડફેટે આવી જવાથી અકસ્માત અને આપઘાતના બનાવો બનતા હોય છે. ત્યારે ભુજ તાલુકાના કુકમા નજીક કરૂણ ઘટના બની છે. ટ્રેનના એન્જિનમાં અથડાઈ જતા યુવકનો ખુરદો બોલી ગયો હતો. મળતી માહિતી પ્રમાણે આજે સવારના સમયે કચ્છ એક્સપ્રેસ ટ્રેનની હડફેટે આ ઘટના બની હતી. કચ્છ એક્સપ્રેસ તેના નિયત રૂટ પ્રમાણે ગાંધીધામ તરફથી ભુજ આવતી હતી. ત્યારે કુકમા નજીક રેલવે ફાટકમાં એક યુવક એન્જિનના હડફેટે આવી ગયો હતો. આ બનાવની કરૂણાંતિકા એ છે કે, ટ્રેનના એન્જિનના આગળના ભાગે યુવક રીતસર ચીપલાઈ ગયો હતો. એન્જિનમાં યુવકનો મૃતદેહ ફસાઈ જતા ટ્રેન થોભાવાઈ હતી. રેલવે પોલીસ તેમજ સ્થાનિક પોલીસ અને આસપાસના લોકો બનાવને પગલે સ્થળ પર દોડી ગયા હતા. હતભાગીનો મૃતદેહ બહાર કાઢ્યા બાદ પગ કપાઈ ગયો હતો. તો પેટ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. આ બનાવ આપઘાતનો છે કે અકસ્માતનો તે અંગે તપાસ શરૂ કરાઈ છે. આ ઘટનાનો વિડિયો સોશિયલ મિડિયામાં થોડીવારમાં વહેતો થઈ ગયો હતો.