કુકમામાં ગ્રામ પંચાયતની દુકાન સીઝ કરતા મહિલા સરપંચના પતિને મારી નાખવાની ધમકી

દસ વર્ષથી ભાડુ નહી ચૂકવતા સરપંચ તથા તલાટીએ દુકાનને સીઝ કરતા ત્રણ શખ્સોએ મહિલા સરપંચને અપમાનીત કરતા નોંધાઈ એટ્રોસીટી

ભુજ : તાલુકાના કુકમા ગામે ગ્રામ પંચાયતની દુકાનને ભાડે આપેલ તે દુકાનનું દુકાનદાર ભાડુ નહી ચૂકવતા દુકાનને સીઝ કરેલ તેનું મનદુઃખ રાખી ત્રણ ઈસમોએ મહિલા સરપંચના પતિને અપમાનીત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ કુકમા ગામના મહિલા સરપંચ કંકુબેનના પતિ અમૃતલાલ બેચરભાઈ વણકર (દલીત) (ઉ.વ.૩૯)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે માધાપર રહેતા મનીષ નથુભાઈ ચૌહાણને કુકમા ગ્રામ પંચાયત હસ્તકની દુકાન દસ વર્ષ પહેલા ભાડે આપી હતી તે દુકાનનું ભાડુ મનિષ ગ્રામ પંચાયતમાં ન ભરતા પંચાયતના સભ્યો સરપંચ અને તલાટીએ દુકાનને સીઝ કરેલ તે અંગેનું મનદુઃખ રાખી ગત તા.૩-૭-૧૭થી આજદિન સુધી રાજેશ પી. રાચ્છ (ઠક્કર), નિતીન પી. રાચ્છ (ઠક્કર) (રહે. બન્ને કુકમા) તથા માધાપરના મનીષ ચૌહાણએ તેઓને બિભર્ત્સ ગાળો આપી રાજેશે જાનથી મારી નાખવાની ધમકી આપી જાતિ પ્રત્યે અપમાનીત શબ્દો બોલી અપમાનીત કરતા પધ્ધર પોલીસે ત્રણેય આરોપીઓ સામે એટ્રોસીટીની કલમો તળે ગુનો નોંધી એસસી/એસટી સેલ ભુજના નાયબ પોલીસ અધિક્ષકે તપાસ હાથ ધરેલ છે.