કુંભ મેળામાંથી પાછા ફર્યા બાદ સંક્રમિત થયેલા સંગીતકાર શ્રવણ રાઠોડનું નિધન

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,એક પછી એક સુપરહિટ ગીતો આપનાર સંગીતકાર જોડી નદીમ-શ્રવણ પૈકીના શ્રવણ રાઠોડનુ કોરોનાથી મોત થયા બાદ આ જોડી તુટી ગઈ છે.જોકે હવે શ્રવણ રાઠોડના પુત્રે એવો ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, કોવિડ પોઝિટિવ થતા પહેલા મારા પિતા કુંભના મેળામાં ગયા હતા. ગયા અઠવાડિયે તેમને કોરોનાના લક્ષણ દેખાયા હતા અને એ પછી તેમને હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. તેના પહેલા તે કુંભના મેળામાં જઈ આવ્યા હતા. ત્યાંથી પાછા ફર્યા બાદ જ તેમને લક્ષણ દેખાયા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.શ્રવણ રાઠોડના પુત્ર સંજીવે કહ્યુ હતુ કે, ક્યારેય વિચાર્યુ નહોતુ કે મારા પરિવારને આ પ્રકારની આફતનો સામનો કરવો પડશે. કારણકે મારા માતા પણ સંક્રમિત છે અને ભાઈને પણ કોરોના થયો છે. તેઓ ઘરે આઈસોલેશનમાં છે પણ પિતાના મોતના પગલે તેમને અંતિમ સંસ્કારમાં સામેલ થવા દેવાયા હતા.હોસ્પિટલે ૧૦ લાખ રુપિયા ચુકવ્યા બાદ જ શ્રવણનો મૃતદેહ આપવાની તૈયારી બતાવી હોવાની વાતને સંજીવે અફવા ગણાવી છે અને કહ્યુ હતુ કે, તેમનાથી જેટલુ થઈ શકતુ હતુ તેટલુ તેમણે કર્યુ હતુ.ઉલ્લેખનીય છે કે, શ્રવણ રાઠોડને બીજી બીમારીઓ પણ હતી.તેના કારણે તેમની કોરોનાની સારવારમાં ડોક્ટરોને તકલીફ પડી હતી.શુક્રવારે તેમની તબિયત વધારે બગડી હતી અને તેમને બચાવી શકાયા નહોતા.