કુંભાર જાતિની પેટા જાતિ મારૂ કુંભારને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણના પ્રમાણપત્રના લાભો મળશે

ગુજરાત સરકારશ્રીના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના તા.૨૫.૦૭.૧૯૯૪ ના ઠરાવથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ યાદીમાં ક્રમાંક:૯૯ ઉપર “કુંભાર” તથા તેની પેટા જાતિઓનો સમાવેશ કરવામાં આવેલ છે. ગીર સોમનાથ જિલ્લાના કુંભાર જ્ઞાતિની પેટા શાખ “મારૂ કુંભાર” જાતિના કેટલાક અરજદારોને તેઓના દસ્તાવેજોમાં “મારૂ કુંભાર’’દર્શાવેલ હોવાના કારણે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવામાં મુશ્કેલી પડતીહતી. આ અંગે સમસ્ત મારૂ કુંભાર સમાજ દ્વારા મારૂ કુંભાર જ્ઞાતિના અરજદારોએ આ અંગે સા.શૈ.પ.વ.ક.ના રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિરને રજૂઆત કરેલ. રાજ્યમંત્રીશ્રીએ નિયામક અને વિભાગ કક્ષાએ અધિકારીશ્રીઓને આ અંગે સ્પષ્ટતા કરતો સુધારો કરવા સૂચના આપેલ.  આથી,‘‘મારૂ કુંભાર’’ જાતિના અરજદારોને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવામાં પડતી મુશ્કેલી દૂર કરવા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા તા.૨૫.૦૭.૧૯૯૪ ના ઠરાવમાં સુધારો કરી તા.૦૩.૦૫.૨૦૨૧ ના ઠરાવથી ‘‘મારૂ કુંભાર’’ જાતિને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવામાં પડતી મુશ્કેલી દૂર કરવા સ્પષ્ટતા કરતા હૂકમો કરેલ છે. આ નવા ઠરાવથી સમસ્ત ‘‘મારૂ કુંભાર’’ જાતિના લોકોમાં હર્ષ અને આનંદની લાગણી ફેલાયેલ છે તેમજ સા.શૈ.પ.વ.ક.ના પ્રમાણપત્રો મેળવવા પડતી મુશ્કેલીદૂર થશે અને મળતા લાભો આ જાતિના લોકોને પણ મળતા થશે. સામાજીક ન્યાય અધિકારીતા વિભાગના આ ઠરાવથી કરેલ સુધારાને સમસ્ત ‘‘મારૂ કુંભાર’’ જાતિના લોકોએ સરકારશ્રીના આ નિર્ણયને હર્ષભેર વધાવેલ છે. દરેક જ્ઞાતિ-સમાજના લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા ગુજરાત સરકાર સદાય અગ્રેસર રહી છે. આ ઠરાવથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, સામાજિક ન્યાય અધિકારીતા મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમાર તેમજ સા.શૈ.પ.વ.ક.ના રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહીરનો મારૂ કુંભાર જ્ઞાતિ સમાજએ આભાર માની છેવાડાના માનવીની દરકાર કરતી સરકાર સદાય તેઓની સાથે છે તેવી લાગણી વ્યક્ત કરી હતી.