કિરણ બેદીએ શપથનું કર્યું ઉલ્લંઘન

પુડ્ડુચેરીઃ પુડ્ડુચેરીના મુખ્ય પ્રધાન વી નારાયણસ્વામીએ લેફ. ગવર્નર કિરણ બેદી પર હોદ્દા અને ગુપ્તતાના શપથનું ઉલ્લંઘન કરવાનો આક્ષેપ કરતાં કહ્યું કે તેમણે સોશિયલ મીડિયા દ્વારા બધી ગુપ્ત સરકારી માહિતી જાહેર કરી હતી. બંધારણીય સત્તા ધરાવતી વ્યક્તિ માટે આ યોગ્ય ન કહેવાય. તેમણે બેદીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે તમે હોદ્દાના અને ગુપ્તતાના શપથ લીધા હોવા છતાં દરરોજ બધી સત્તાવાર ગુપ્ત માહિતી સોશિયલ મીડિયા પર જણાવીને તેમણે લીધેલા શપથનું ઉલ્લંઘન કરી રહ્યા છો. પત્રની કૉપી પત્રકારોને આપવામાં આવી હતી. બેદી સાથેની મીટિંગનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે મુખ્ય પ્રધાનની રૂએ ચૂંટાયેલી સરકારની બંધારણીય સત્તા વિશે તેમને (બેદીને) જણાવવામાં આવેલી બાબતોને બાજુએ રાખી દેવામાં આવી છે. લેફ્‌. ગવર્નર એક અથવા બીજા દિવસે આદેશો આપતા જાય છે એથી અધિકારીઓ ગૂંચવાઈ જાય છે. મુખ્ય પ્રધાને દાવો કર્યો હતો કે સરકારી અધિકારીઓએ લેફ. ગવર્નરના આદેશોનું પાલન કરવાની જરૂર નથી. તેઓ ઉપેક્ષા કરી શકે છે. નારાયણસ્વામીની સરકાર અને બેદી વચ્ચે છેલ્લા બે વર્ષથી જુદા જુદા મુદ્દે ગજગ્રાહ ચાલી રહ્યો છે. તેમણે કહ્યું કે લેફ્‌. ગવર્નર જો પ્રધાનમંડળની સલાહ લઈને કામ કરે તો તેમને સહકાર આપવા તૈયાર છું.