કિમે ટ્રમ્પને ફરી મળવાની ઈચ્છા વ્યક્ત કરી

વોશિંગ્ટનઃ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચિઠ્ઠી લખી હતી. તેમાં તેમણે ટ્રમ્પ સાથે ફરી મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. વ્હાઈટ હાઉસની પ્રવક્તા સારા સેન્ડર્સે માહિતી આપતા કહ્યું છે કે, ટ્રમ્પ એડિ્‌મનિસ્ટ્રેશન પણ કિમ સાથે વાત-ચીતની શક્યતાઓ જોઈ રહી છે. આ પહેલાં બંને નેતાઓની ૧૨ જૂનના રોજ સિંગાપોરમાં મુલાકાત થઈ હતી. જોકે પહેલી મુલાકાતની થોડી નિંદા પણ કરવામાં આવી હતી. કારણકે ત્યારે એ સ્પષ્ટ નહતું કે, કિમ ક્યાં સુધી તેમનો પરમાણુ પ્રોગ્રામ બંધ કરશે.
ટ્રમ્પ અને કિમની બીજી મુલાકાત ક્યારે થશે તે હજુ સ્પષ્ટ નથી. ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની વાર્ષિક બેઠક સમયે આ મુલાકાત થઈ શકે છે. ટ્રમ્પની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) જોન બોલ્ટનના જણાવ્યા પ્રમાણે કિમ મહાસભાની બેઠકમાં ભાગ લેવાના નથી.
સેન્ડર્સે કહ્યું કે, કિમનો પત્ર ખૂબ ઉત્સાહથી ભરેલો હતો. તેમણે બીજી વખત રાષ્ટ્રપતિને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. લેટરથી સ્પષ્ટ થાય છે કિમ હવે પરમાણું પ્રોગ્રામ બંધ કરવા જ માગે છે. સેન્ડર્સે એવું પણ કહ્યું કે, રવિવારે ઉત્તર કોરિયામાં થયેલી પરેડમાં કિમે ઘણાં સમયથી મિસાઈલ પ્રદર્શન પણ નથી કર્યું. વોશિંગ્ટન અને પ્યોંગયાંગ વચ્ચે વિશ્વાસ વધારવા માટે આ પગલું યોગ્ય છે.
વોશિંગ્ટનના એક થિંક ટેંક સેન્ટર ફોર નેશનલ ઈન્ટરેસ્ટના ડિરેક્ટર હૈરી કજિયાનિસના જણાવ્યા પ્રમાણે- જો ટ્રમ્પ પણ કિમને બીજી વખત મળવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો તે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છે. ટ્રમ્પે તેના કાર્યકાળના અંત સુધી ઉત્તર કોરિયા સાથેના પરમાણુ હથિયાર પૂરા કરી લેશે તો આ તેમની સફળતા ગણાશે. કજિયાનિસનું એવું પણ કહેવું છે કે, ઉત્તર કોરિયાએ તેમની ૭૦મી વર્ષગાંઠમાં એક પણ લાંબા અંતરની મિસાઈલનું પ્રદર્શન નથી કર્યું. તેનાથી ઉત્તર કોરિયા તરફ વિશ્વાસ વધી રહ્યો છે. ૧૨ જૂનના રોજ બંને નેતાઓ વચ્ચે ૯૦ મિનિટની વાતચીત થઈ હતી. તેમાં ટ્રમ્પે કિમને પૂર્ણ પરમાણુ નિરસ્ત્રીકરણ માટે રાજી કરી લીધા છે. તેના બદલામાં અમેરિકાએ તેમને વિશ્વાસ અપાવ્યો છે. તે માટે બંને નેતાઓએ એક સમજૂતી હસ્તાક્ષર પણ કર્યા છે.