કાશ્મીરમાં મોટા આતંકી હુમલાનું એલર્ટ

ભારતીય સેનાના ઓપરેશન ઓલ આઉટ બાદ પ્રથમ વખત મોટા આતંકવાદી હુમલાના આવ્યા ઈનપુટસ

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં ફરીવાર આતંકની ચિંગારીને હવા મળવાની આશંકા છે. ઘાટીમાં આતંકી હુમલાના
પગલે સેનાએ એલર્ટ જાહેર કર્યું છે. સેનાએ ઓપરેશન ઓલ આઉટ શરૂ કર્યા બાદ પહેલીવાર મોટા આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરી છે.અગાઉ આંતકવાદીઓએ શોપિયામાં સીઆરપીએફના કેમ્પ પર હુમલો કર્યો હતો. અને સેનાએ આંતકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. સીમા પર એક તરફ પાકિસ્તાન સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે ત્યારે બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સેના અને પોલીસને નિશાન બનાવી રહી છે.આંતકવાદીઓએ અવંતિપુરાના લીથપોરમાં આતંકી હુમલો કર્યો હતો. આ હુમલામાં સેનાના પાંચ જવાનો શહીદ થયા હતાં. આ આંતકવાદી હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. છ જાન્યુઆરીના રોજ બારામુલાના સોપોરમાં આતંકવાદીઓએ આઈ.ઈ.ડી બ્લાસ્ટ કર્યો હતો જેમા
પોલીસના ચાર જવાન શહીદ થયા હતાં. આ હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી.સેનાએ ઘાટીમાં સક્રીય ૨૫૪ આતંકવાદીઓનું લિસ્ટ તૈયાર કર્યું છે. જેમનો ઓપરેશન ઓલ આઉટ હેઠળ ખાત્મો કરવામાં આવશે. સેનાએ ૨૦૧૬માં ૧૪૮ તો ૨૦૧૫માં ૧૦૮ આતંકવાદીઓને અથડામણમાં ઠાર માર્યા છે