કાશ્મીરમાં ચૂંટણીઓ ટળી શકે ?

જમ્મુ કાશ્મીરમાં યોજાનાર પંચાયત ચૂંટણી પર રાજકીય વાદળો ઘેરાવા લાગ્યા છે. રાજ્યની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) અને નેશનલ કોન્ફરન્સે કલમ ૩૫એ અંગે પંચાયત ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે ત્યારબાદ સ્થાનિક ચૂંટણી સમયસર થવા પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયુ છે. સમાચાર મુજબ આ ચૂંટણી જાન્યુઆરી સુધી ટાળવામાં આવી શકે છે.
આજે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકની અધ્યક્ષતામા રાજ્ય સલાહકાર  પરિષદ (એસસી) દ્વારા ઔપચારિક નિર્ણય લેવાની સંભાવના છે. રાજ્યના બે મોટા પક્ષો તરફથી ચૂંટણીના બહિષ્કાર કરવા પર કેન્દ્રની ભાજપ સરકાર પણ વિચારમાં પડી ગઈ છે. રાજ્યપાલ સત્યપાલ મલિકે રવિવારે મહેબૂબા મુફ્તીની તેમના ઘરે જઈને મુલાકાત કરી હતી. રાજ્યપાલે તેમને સમજાવવાની કોશિશ કરી હતી કે તે કોઈ પણ પ્રકારની ચૂંટણીનો બહિષ્કાર ના કરે.રાજ્યમાં શહેરી સ્થાનિક ચૂંટણી ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં થશે તેમજ પંચાયત ચૂંટણી ડિસેમ્બરમાં થવાની છે. પરંતુ ૩૫એ અંગે રાજ્યમાં વિરોધ સતત ચાલુ છે. પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ સ્પષ્ટ કહ્યુ હતુ કે કલમ ૩૫એ ના કારણે તેમનો પક્ષ રાજ્યની પંચાયત ચૂંટણીમાં ભાગ નહિ લે. મહેબૂબાએ સોમવારે શ્રીનગરમાં થયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ, ‘૩૫એને બચાવવા માટે અમે કોઈ પણ સીમા સુધી જઈશુ.’ મહેબૂબાએ કહ્યુ કે રાજ્યના લોકોએ ઘણુ બલિદાન આપ્યુ છે અને કોઈ પણ કલમ ૩૫એ ની માન્યતા સાથે રમત નહિ રમી શકે.