કાલોલમાં આરોપીને છોડાવવા માટે ટોળાનો પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો

(જી.એન.એસ.)કાલોલ,પંચમહાલના કાલોલમાં લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણનો બનાવ સામે આવ્યો છે. એક આરોપીને છોડાવવા માટે ૬૦થી ૭૦નાં ટોળાંએ પોલીસ સ્ટેશન પર હુમલો કરી દીધો હતો અને પથ્થરમારો શરૂ કર્યો હતો. જે બાદ સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા હતા. ઘર્ષણની ઘટના સામે આવતાં જ એસપી સહિતનો ઉચ્ચ અધિકારીઓનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરમાં પોલીસ એક આરોપીને પકડીને પોલીસ સ્ટેશન લાવી હતી. આરોપીની પાછળ-પાછળ ૬૦થી ૭૦ લોકોનું ટોળું પોલી સ્ટેશન ધસી આવ્યું હતું. અને પોલીસ સ્ટેશન પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ટોળાં દ્વારા સતત પથ્થરમારો અને અરાજકતા ફેલાવતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.તોફાની ટોળાંને કાબૂમાં લેવા માટે પોલીસને ટીયર ગેસનાં સેલ પણ છોડવા પડ્યા હતા. એકાદ પોલીસકર્મીઓને પથ્થરમારામાં ઈજા પહોંચી હોવાની પણ જાણકારી મળી રહી છે. અને કાલોલમાં બજારો બંધ થઈ ગયા હતા. અને આ ટોળાંને કારણે લોકોમાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. અને હવે પોલીસ દ્વારા જે વિસ્તારના ટોળાએ પથ્થરમારો કર્યો હતો તે વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અને પથ્થરમારાના જવાબદાર ઈસમોને ઝડપી પાડવા અભિયાન શરૂ કર્યું છે.