કાલે મોદી જૂનાગઢમાં : તંત્રનો તૈયારીનો આખરી ઓપ

જૂનાગઢઃ દેશના વડાપ્રધશ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જૂનાગઢના મહેમાન બનશે. ૨૩ ઓગસ્ટે જૂનાગઢ આવી રહેલા પીએમના હસ્તે ૩૬૨.૭૨ કરોડના કામોનું ખાતમુહુર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવશે. પીએમની સુરક્ષાને લઇને ૧૬૦૦
પોલીસ જવાનો ખડેપગે ઉભા રહી ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વડાપ્રધશ્રી નરેન્દ્ર મોદી ૨૩ ઓગસ્ટે બપોરના ૨ઃ ૦૫ મિનિટે બિલખા રોડ સ્થિત પોલીસ તાલીમ મહાવિદ્યાલયના પરીસરમાં તૈયાર કરેલા હેલીપેડ ખાતે ઉતરાણ કરશે. બાદમાં ત્યાંથી પોલીસ પરેડ ગ્રાઉન્ડના પાછળના ભાગે તૈયાર કરેલા સભાખંડ ખાતે જશે અને શ્રોતાઓને સંબોધિત કરશે.બાદમાં જૂનાગઢ તેમજ ગિર સોમનાથમાં થયેલા વિકાસ કામોના ખાતમુહુર્ત અને લોકાર્પણ કરશે. જૂનાગઢમાં ૪ કામોનું લોકાર્પણ કરાશે, ૨ કામોનું ખાત મુહુર્ત કરાશે અને ગિર સોમનાથ જિલ્લાના ૨ કામોનું લોકાર્પણ કરવામાં આવશે. આમ, બન્ને જિલ્લાના કુલ મળી ૮ કામોના રૂપિયા ૩૬૨.૭૨ કરોડના વિકાસ કામોને ખુલ્લા મુકશે. અગાઉ ભારે વરસાદના પગલે વડાપ્રધાનનો કાર્યક્રમ રદ થયો હતો બાદમાં ૨૩ ઓગસ્ટનો કાર્યક્રમ નક્કી થતા સમગ્ર તંત્ર દોડતું થઇ ગયું છે.