કાલથી બે દિવસ સામખિયાળી ગામ બંધ રહેશે

ભચાઉમાં પણ વિક એન્ડ લોકડાઉનનો નિર્ણય : અટલનગર-ચપરેડીમાં ૧૦ દી’નું સ્વયંભૂ લોકડાઉન

ભચાઉ : કચ્છમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે જેના કારણે એક બાદ એક સ્થળોએ સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયો લેવાઈ રહ્યા છે. વાગડમાં પણ કોરોનો વકર્યો છે. જેના કારણે સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયો લેવામાં આવ્યા છે.
મળતી પ્રમાણે કાલથી બે દિવસ સુધી સામખિયાળી ગામ બંધ રહેશે. કોરોનાની ચેઈન તોડવા મંગળવાર અને બુધવારે ગામમાં લોકડાઉન રહેશે. તો ભચાઉમાં વીક એન્ડ લોકડાઉનનો નિર્ણય નગરપાલિકા, તંત્ર અને ચેમ્બર દ્વારા લેવાયો છે. જેમાં શુક્રવાર, શનિવાર અને રવિવારે લોકો બંંધ પાળશે. આ તરફ ચોબારીમાં પણ આ પ્રકારે સર્તકતા દાખવવા માટે તકેદારી રાખવાનો નિર્ણય લેવાયો છે. વાગડમાં વકરતી મહામારી વચ્ચે લોકો નિયમો પાળે એ જરૂરી છે.
બીજી તરફ કોરોનાનું સંક્રમણ વધે તે પહેલા જ જાગૃત થઈ, ભુજ તાલુકાના ચપરેડી-અટલનગર ગામમાં સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવ્યું છે. પાવરપટ્ટીના આ ગામમાં પંચાયત દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં સવારે ૭થી બપોરે ૧ર અને સાંજે ૪થી ૮ વાગ્યા સુધી જરૂરી દુકાનો જ ખોલવામાં આવશે તેમજ ગામમાં ફેરિયાઓનો પ્રવેશ બંધ રહેશે અને લોકોએ સતત માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. તેમજ ગામનું કોઈ વ્યકિતને કોરોના સંક્રમીત થયા બાદ તેને આઈસોલેશનમાં રહેવામાં કોઈ તકલીફ હશે તો ગ્રામ પંચાયત દ્વારા આઈસોલેશનની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. કોરોના કેસોમાં ખુબ ઝડપી વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાનું સંંક્રમણ અટકાવવા ગામડાઓ જાગૃત થયા છે.