કારોબાર સમેટી લેવા ઉત્તર કોરિયન કંપનીઓને હુકમ

બેજિંગ : ઉત્તર કોરિયા અને ચીન વચ્ચે ખુબ સારી મિત્રતા રહેલી છે. આ બાબતથી તમામ દેશો વાકેફ છે. જા કે હવે અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે વધતી કટોકટી વચ્ચે ચીને પણ પોતાના મિત્ર દેશ ઉત્તર કોરિયાની સાથે ઉભા રહેવાને લઇને ખચકાટ અનુભવ કરવાની શરૂઆત કરી દીધી છે. ઉત્તર કોરિયાના મિત્ર રાષ્ટ્ર ગણાતા ચીને પોતાના દેશમાં રહેલી ઉત્તર કોરિયાની કંપનીઓને તેમના કામને સમેટી લેવા માટેના આદેશ જારી કરી દીધા છે. ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ધારા ધોરણ પાળીને આ આદેશ જારી કર્યા છે.
ઉત્તર કોરિયા દ્વારા હાલમાં છઠ્ઠા પરમાણુ પરીક્ષણ અને મિસાઇલ કાર્યક્રમ સાથે આગળ વધવાના જિદ્દી વલણ બાદ સંયુક્ત રાષ્ટ્ર તરફથી લાગુ કરવામાં આવેલા પ્રતિબંધ બાદ આ આદેશ ચીને જારી કર્યા છે. ચીનના વાણિજ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યુ છે કે ઉત્તર કોરિયાની કંપનીઓની પાસે સંયુક્ત રાષ્ટ્રનો પ્રસ્તાવ ૧૧મી સપ્ટેમ્બરના દિવસે પાસ થઇ ગયા બાદ ૧૨૦ દિવસનો સમય છે.