કાયદો વ્યવસ્થાની કથળેલ સ્થિતિ અંગે બાદરગઢ લેવા પાટીદાર સમાજ આકરાપાણીએ

રાપર : તાલુકાના બાદરગઢ ગામે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવા ઉપરાંત મુંબઈ વસતા પાટીદારોની મિલકતોની પણ સલામતી ન રહેતા આજરોજ બાદરગઢ લેવા પાટીદાર સમાજ દ્વારા રાપરમાં રેલી યોજી પોલીસ મથકે રજુઆત કરવામાં આવી હતી. બાદરગઢ લેવા પાટીદાર સમાજે કરેલ રજુઆતમાં જણાવેલ કે ગત તા. ર૦-૧ ના ૧ર મકાનોમાં તાળા તુટયા હોવા છતાં હજુ આરોપીઓની ધરપકડ થઈ નથી. ઉપરાંત પાટીદાર સમાજ વિરૂધ્ધ અત્યાચારો બંધ થાય, પાટીદાર સમાજને રક્ષણ મળે, પાટીદાર સમાજને પ્રશાસનથી થતો અન્યાય બંધ થાય, ગુંડા તત્વો સામે સખ્ત કાર્યવાહી થાય તેમજ ગામમાં દારૂનુ વેંચાણ બંધ કરવા સહિતના મુદ્દે રજુઆત કરી ધરણા યોજવામાં આવ્યા હતા. જેમાં લેવા પાટીદાર મિત્ર મંડળ મુંબઈ તેમજ બાદરગઢ લેવા પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.