કામદારોના રહેણાંકના પ્લોટ મુદ્દે સંગઠન આકરાપાણીએ

ગાંધીધામ : દીનદયાલ (કંડલા) પોર્ટ ટ્રસ્ટમાં કામ કરતા કામદારોને રહેણાંક માટેના પ્લોટ એલોટ કરવા અંગે લેન્ડ પોલીસી ગાઈડલાઈન ૨૦૧૪ને ટાંકીને જે સમાચાર પ્રસિદ્ધ થયા છે. તે તથ્યોના આધારે નથી.
ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કસ યુનિયન (એચ.એમ.એસ.) કંડલાના મહામંત્રી મનોહર બેલાણીએ આ અંગે જણાવ્યું હતું કે, લેન્ડ પોલીસી ગાઈડ લાઈન -૨૦૧૪ મહાબંદરોની જમીનને લાગુ પડે છે આ પોલીસીમાં સ્પષ્ટ જોગવાઈ છે. કે આ ગાઈડલાઈન્સ ગાંધીધામ ટાઉનશીપની જમીનને લાગુ નથી પડતી અને ગાંધીધામની જમીન અંગેની જુદી પોલીસી પોર્ટ ટ્રસ્ટ બોર્ડે બનાવી શિપીંગ મંત્રાલયની મંજુરી અર્થે મોકલાવેલ છે.
આ પ્રસ્તાવિત પોલીસીમાં કામદારોને રહેણાંકના પ્લોટ એલોટ કરવા અંગેની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે તથા મંત્રાલયે પણ આમાં હકારાત્મક અભિગમ અપનાવેલ છે તથા પોર્ટ ટ્રસ્ટ બોર્ડ તરફથી આ અંગે એક વિશેષ યોજના બનાવી શિપીંગ મંત્રાલય પાસે મોકલાવેલ છે. જે પણ મંત્રાલયના વિચાર હેઠળ છે અને મંત્રાલય તરફથી પોર્ટ ટ્રસ્ટ પાસે આ અંગે કેટલાક માહિતી પણ મંગાવવામાં આવી છે.દરમ્યાન શિપીંગ મંત્રાલયના નિતીન ગડકરી, રાજ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા જ્યારે કંડલા પોર્ટની મુલાકાતે આવેલ ત્યારે તેઓશ્રીને યુનિયન તરફથી રૂબરૂ મળી મૌખિક અને લેખિત રજુઆત પણ કરેલ છે અને તેઓશ્રીએ આ અંગે યોગ્ય કરવા સ્પષ્ટ ખાતરી આપી છે.
આ અંગે કચ્છના સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાએ પણ વખતો વખત રજુઆત કરેલ છે અને તેઓ પણ આ પ્રશ્નના સુખદ હલ માટે પ્રયત્નશીલ અને તેના સિનીયર બીજા કેટલાક નેતાઓ તથા સંસ્થાઓ પણ આ અંગે શિપીંગ મંત્રીશ્રીને રજુઆતો કરેલ છે તેથી એવી આશા છે કે, આ પ્રશ્નનો કામદારોના હક્કમાં સુખદ નિર્ણય આવશે.
શ્રી બેલાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રશ્ન અંગે તાજેતરમાં પણ યુનિયન અને ફેડરેશન વતી શિપીંગ મંત્રાલય પાસે રજુ કરાયા છે તથા યુનિયન સામાન્ય સભામાં એવો પણ નિર્ણય કરેલ છે કે, હવે આ પ્રશ્નના સકારાત્મક ઉકેલ ન આવે તો યુનિયન આંદોલનનો પણ આશરો લેશે અને નજીકના ભવિષ્યમાં આ અંગે વિધિવત જાહેરાત પણ કરવામાં આવશે. કામદારોનો રહેણાંકનો મુદો વ્યાજબી તથા ન્યાયીક છે તથા આ બાકીના મહાબંદરગાહોથી બિલ્કુલ અલગ છે તેથી બીજા મહાબંદરગારોની પરીસ્થિત સાથે તેને જોડી ન શકાય.