કાગળથી ચાલે ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અનુરોધ

અંજારના નવાપુરા વિસ્તારમાં રાજયમંત્રી વાસણભાઈ આહિર પસીનો પાડી કર્યું શ્રમદાન : અંજારમાં ‘પ્લાસ્ટિક મુકત શહેર’ ઉપર વર્કશોપ યોજાયો

અંજાર : કાગળથી ચાલે ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરી કચ્છમાં એકપણ જગ્યાએ કચરો નહીંની નેમ સાથે પર્યાવરણ બચાવવાની સંકલ્પબધ્ધતા સાથે જનતા જનાર્દનનો પણ સાથ-સહકાર સાંપડી રહેશે ત્યારે ચોકકસ રૂડા પરિણામ આવશે, તેમ સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત અંજાર નગરપાલિકા દ્વારા આયોજિત ‘પર્યાવરણ અને સ્વચ્છતા’ સપ્તાહની ઉજવણી પ્રસંગે રાજયમંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું.
અંજાર નગરપાલિકા હોલ ખાતે ‘પર્યાવરણ અને સ્વચ્છતા’ સપ્તાહની ઉજવણી પ્રસંગે તેમણે વધુમાં ઉમેર્યુ કે કચરો નહી હોય તો ગંદકીથી થતા રોગ પણ અટકશે અને સ્વચ્છ-તંદુરસ્ત ભાવિ પેઢીનું નિર્માણ કરી શકીશું. આ તકે તેમણે શેરી-મહોલ્લા સફાઇ-હરિફાઇનું આયોજન કરવા અને નગરપાલિકાના કર્મયોગીઓને વિનંતી કરી લોકોને પર્યાવરણ અને સ્વચ્છતા માટે સમજાવવા પણ આહ્વાન કર્યું હતું અને એકલી સરકાર નહીં શકે તેમાં લોક સહયોગ અનિવાર્ય હોવાનું જણાવી સ્વૈચ્છિક સંસ્થાઓને પણ આ કાર્યમાં આગળ આવવા અપીલ કરી હતી. તેમણે સ્વચ્છતાને સ્વભાવ બનાવીને અન્યોને પણ તે માટેની પ્રેરણા પૂરી પાડવાની નિતાંત આવશ્યકતા સમજાવી હતી. કાર્યક્રમ બાદ રાજયમંત્રી વાસણભાઈ આહિરે અંજારના નવાપુરા વિસ્તારમાં માર્ગોનું સફાઇકાર્ય હાથ ધરાયું હતું તેમાં તેમણે પસીનો પાડીને શ્રમદાન કર્યુ હતું અને કચરાના ઢગલાઓ દૂર કરી સ્વસ્થ-તંદુસ્તનું સમાજના નિર્માણ માટે લોકોને સંકલ્પ લેવા સાથે સરકારના ‘પર્યાવરણ અને સ્વચ્છતા’ અભિયાનને આગળ ધપાવી હરહંમેશ ચાલુ રાખવા જણાવી ચોમાસા પૂર્વે દરેક વ્યકિતને પ વૃક્ષ વાવવાનો પણ અનુરોધ કર્યો હતો. વરસાદ વધશે તો વધુ પાણી ઉપલબ્ધ થશે, તેમ જણાવ્યું હતું.
વાસણભાઈ આહિરે પ્લાસ્ટિકથી જળ, જમીન બગાડવા સાથે પર્યવરણ પણ બગાડે છે, તેથી પ્લાસ્ટિકનો વિવેકપુર્ણ ઉપયોગ અનિવાર્ય છે, જે આજે નહી તો કાલે પણ સમજવું પડશે. તો આજે તેની જરૂરિયાત સમજી શા માટે અમલ ન કરવો, તેમ જણાવી પર્યાવરણ જાળવણી કોઈ વ્યક્તિગત જવાબદારી નથી પરંતુ આપણા સૌની સામુદાયિક જવાબદારી છે, તેમ જણાવી નગરજનોને પ્લાસ્ટિક મૂક્ત અંજાર બનાવવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ‘પ્લાસ્ટિક મુકત શહેર’ વિષય પર વર્કશોપનું આયોજન કરાયું હતુ. શહેરના પ્લાસ્ટિકના વેપાર-ધંધા સાથે સંકળાયેલા વેપારીઓએ હકારાત્મક પ્રતિભાવ આપી રાજયમંત્રીનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. નગરપાલિકા દ્વારા એનજીઓને સાથે રાખી શારદા શિવણ કેન્દ્રના સહયોગે કાપડની થેલીઓનું પ્રતિક વિતરણ કરાયું હતું. ભારત વિકાસ પરિષદના શ્રી જાડેજા દ્વારા રાજયમંત્રી વાસણભાઈ આહિરને કેપ પહેરાવી લોક અર્પણવિધિ કરાઇ હતી. પાલિકામાં પ્લાસ્ટિકના કપના વપરાશને બંધ કરવાના ઉમદા હેતુસર કાઉન્સીલર જયશ્રીબેન મહેતા દ્વારા પાલિકામાં વપરાશ અર્થે અધ્યક્ષા પુષ્પાબેન ટાંકને થર્મોસની અર્પણવિધિ કરાઇ હતી. કાર્યક્રમનું સંચાલન ડેનીભાઈ શાહે જયારે આભારદર્શન
પાલિકાના ચીફ ઓફિસર સંજય પટેલે કરી હતી.
આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઈ કોઠારી, તા.પં. શાસકપક્ષના નેતા જયોત્સનાબેન દાસ, શહેર પ્રમુખ સંજયભાઈ દાવડા, ન.પા. ઉપાધ્યક્ષ અનિલભાઈ પંડયા, શિક્ષણ સમિતિના કિશોરભાઈ, રામજીભાઈ ઘેડા, પ્રકાશભાઈ કોડરાણી, કેશુભાઈ સોરઠીયા, લાલજીભાઈ સોરઠીયા, ગોપાલભાઈ માતા સહિતના આગેવાનો, પદાધિકારીઓ તેમજ અંજાર પ્રાંત વિજયભાઈ રબારી, રાજકોટના નાયબ કલેકટરશ્રી પી.એ.ગામીત, કુંદનબેન, પ્રજ્ઞાબેન, જયશ્રીબા, કરીમાબેન સહિત મહિલા મોર્ચાની બહેનોની અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.