કાંતિસેન શ્રોફને કચ્છની વિવિધ સંસ્થાઓ-આગેવાનો દ્વારા અપાઈ શ્રદ્ધાંજલિ

ભુજ : ખેડૂતો, માલધારી અને વંચિતોના બેલી તથા શ્રૃજનના મોભી જાણીતા ઉદ્યોગપતિ કાંતિસેન શ્રોફની ચીર વિદાયથી ન પૂરાય તેવી ખોટ પડી છે. કચ્છના ઉદ્યોગપતિ, સમાજ સેવી અને ‘કાકા’ના હુલામણા નામે જાણીતા બનેલા કાંતિસેનભાઈનું ૯૮ વર્ષની જૈફવયે કુકમા ખાતે નિધન થયું હતું. તેઓ એક્સેલ ઈન્ડસ્ટ્રીઝ અને એગ્રોસેલ કંપનીના સંચાલન અને સંચાલકના રૂપથી જાણીતા હતા. કચ્છમાં આવેલા વાવાઝોડા અને ભૂકંપ વખતે અનેક સમાજ ઉપયોગી કાર્યો કર્યા હતા. ખાસ કરીને તેઓએ શ્રૃજન નામની હસ્ત કારીગરીની સંસ્થા મારફતે સેવા આપી, ભૂકંપ બાદ ર૦ જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓને જોડી કચ્છ નવનિર્માણ અભિયાન સંસ્થાની સ્થાપના કરી હતી. કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ કાંતિસેન શ્રોફને શ્રદ્ધાંજલિ આપતા તેમણે સામાજીક ઉતરદાયિત્વ નીભાવતા વિકાસલક્ષી કાર્યોમાં સતત પ્રવૃત્ત રહ્યું હોવાનું જણાવી તેમણે શ્રદ્ધાંજલિ આપી હતી.કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે કાકાની વિદાય આંચકા જનક હોવાનું જણાવી એક દંત કથા સમાન જીવનનો અંત આવ્યો હોવાનું જણાવી તેમણે પુષ્પાંજલિ અર્પી હતી. રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે, કાંતિસેનભાઈ શ્રોફ એક આગવી પ્રતિભા ધરાવતા હતા. અને કચ્છની સેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. સદ્દગતને તેમણે હૃદય પૂર્વક શ્રદ્ધાંજલિ અર્પી હતી. સારસ્વતમના પ્રમુખ વિજયલક્ષ્મી શેઠ, માનદમંત્રી શિવદાસ પટેલ તથા વહિવટી અધિકારી મુલેશ દોશીએ કચ્છના વિનાશક વાવાઝોડા અને ભૂકંપ વખતે તેમણે શ્રૃજન નામની સંસ્થા દ્વારા હસ્ત કારીગરી માટે ર૦ જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓને એક મંચ હેઠળ જોડી કચ્છ નવ નિર્માણ અભિયાનની સ્થાપના કરી હતી.પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પતા જણાવ્યું હતું કે, શ્રૃજન, વીઆરટીઆઈ જેવી સંસ્થાઓના માધ્યમથી મહિલાઓને રોજગાર, હસ્તકલાને પ્રોત્સાહન આપનારા દંતકથારૂપ પ્રતિભા ‘કાકા’ને તેમનો વિશાળ ચાહક સમુદાય વર્ષો સુધી યાદ રાખશે. જાણિતા સામાજિક આગેવાન દિલીપભાઈ દેશમુખે તેમને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, કાકાની દરેક મુલાકાતમાં સકારાત્મક અને સમાજોપયોગી વાતનું આદન પ્રદાન થતું હતું. સદ્દગતના પુત્રવધૂ પ્રીતિબેને જણાવ્યું હતું કે, છેલ્લી ઘડી સુધી સકારાત્મકતા સાથે સૌના આનંદમાં પોતાનો આનંદ માનીને જીવેલા સદ્દગતે કોઈને કદી નારાજ નથી કર્યા તેવું જણાવી તેમની સદાય ખોટ સાલશે તેવું જણાવ્યું હતું. પૂર્વ નાણામંત્રી બાબુભાઈ મેઘજી શાહે કાકાની વિદાય આંચકાજનક હોવાનું જણાવી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે કહ્યું કે, તેમની સેવા ભાવના માટે નામી-અનામી સંસ્થાઓ અને સરકાર તરફથી એવોર્ડ મળ્યા હતા એવા કાકાના નિધનથી કચ્છના કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ જગત અને સેવાકીય સંસ્થા સહિતના લોકોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા જણાવાયું હતું કે, તેઓનું માર્ગદર્શન અને અનુદાન સંસ્થાને મળતું રહ્યું હતું. બાળશ્રમયોગીઓને અક્ષરજ્ઞાન પ્રવૃત્તિમાં ઉંડો રસ લઇ અવાર – નવાર આવા બાળકોની જરૂરિયાત પૂરી કરતા તેમજ સંસ્થાની શાળાની પણ મુલાકાત લેતા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જોષીએ તેઓનાં સેવાકાર્યોને બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શંકરભાઈ સચદેએ કાકાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે, સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાની કાંતિસેનભાઈ શ્રોફની ભાવના સૌને સદાય પ્રેરણા આપતી રહેશે. કાકાની નિયમિત સારવાર કરનાર ડો. મુકેશ ચંદેએ જણાવ્યું હતું કે, છેલ્લા ૪૪ દિવસથી માત્ર પાણી પર જીવન ટકાવનારા કાંંતિસેન શ્રોફના નિશબ્દ અંતિમદર્શન કરીને જીવન બળની પ્રેરણા મળી. બીજી તરફ સત્યમ સંસ્થા, તાનારીરી મહિલા મંડળ અને કચ્છ જિલ્લા મજદુર વિકાસ મંચ દ્વારા કાંતિ સેન શ્રોફને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી, મધુભાઈ ત્રિપાઠી, યોગેશ મહેતા, નયનભાઈ શુક્લ, હેમેન્દ્રભાઈ જણસારી, નર્મદાબેન ગામોટે જણાવ્યું હતું કે, કાંતિસેન શ્રોફ દાનવીર અને કર્મશીલ શ્રેષ્ઠ હતા. તેમના જવાથી કચ્છે એક કર્મશીલ આગેવાન ગુમાવ્યા છે