કવીઓ જૈન મહાજન ભુજ દ્વારા રાહતદરે મેડિકલ સેવાનો પુનઃ પ્રારંભ કરાયો

ભુજપુરના મધ્યમવર્ગીય દર્દીને રૂા.પ૧ હજારની રકમનો ચેક અપર્ણ કરાયો

ભુજ : કવીઓ જૈન મહાજન ભુજ દ્વારા સંચાલીત રતનશી ટોકરશી વોરા મેડીકલ ચેકઅપ સેન્ટર ભુજ ખાતેે દર્દીઓને વ્યાજબી ભાવે સારી સારવાર મળે તે માટે કોરોના કાળ દરમ્યાન બંધ પડેલી મેડીકલ સેવાઓ પુનઃ શરૂ કરતા સેન્ટર ખાતે રાહતદરે દંત વિભાગ, રાહતદરે હોમિયોપેથીક વિભાગ અને મેડીકલ માહિતી કેન્દ્ર તથા વિનામૂલ્યે કોરોના વિરોધી રસીકરણ _ અભિયાન શરૂ કરવામાં આવેલ છે, જેમાં રોજ સેંકડો લોકો લાભ લઈ રહ્યા છે. મેડીકલ માહિતી કેન્દ્ર દ્વારા દર્દીઓને મેડીકલને લગતી તમામ માહિતી તથા મા કાર્ડ, આયુષ્માન ભારત કાર્ડ અને કેન્દ્ર સરકારની મેડીકલને લગતી યોજનાની માહિતી આપીને દર્દીઓને મદદરૂપ થવાના પ્રયાસો કરવામાં આવે છે, જેથી દર્દીઓને વિનામૂલ્યેે સારવાર પ્રાપ્ત થઈ શકે. જયારે સરકારી યોજનામાં સમાવેશ ન હોય તેવી બિમારી માટે નાણાની મુશ્કેલી અનુભવતા દર્દીઓને જાહેર અપીલ દ્વારા નાણા એકત્રિત કરી મદદરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવે છે.
હાલમાં મુંદરા તાલુકાના ભુજપુર નિવાસી મિતાલીબેન ધર્મેશભાઈ રાજગોરનું પેટનું મેજર ઓપરેશન ભુજ ખાતે આવેલ પ્રાઈવેટ હોસ્પિટલમાંં થતાં આર્થિક રીતે નબળા આ પરિવાર પર ઓપરેશન માટે રૂા.૨.૦૫ લાખનો ખર્ચ આવી પડતા દર્દીના પરિવારજનો અને સબંધીઓ મારફત રૂા. ર લાખ જેટલી રકમ એકત્રિત થયેલ, પણ રૂા.૫૦ હજારની ખુટતી રકમની રજુઆત કવીઓ જૈન મહાજન ભુજ સંસ્થાના અધ્યક્ષ તારાચંદભાઈ છેડા પાસે આવતા તેમના દ્વારા અપીલ કરાતા થોડીક ક્ષણોમાં રૂા.૫૦ હજારની રકમ એકત્રિત થઈ હતી. એકત્રિત થયેલ ૨કમ રૂા.૫૧ હજારનો ચેક દર્દીના પરિવારજનોને આપી દર્દીને નવજીવન આપવામાં મદદરૂપ બન્યા હતા અને દર્દીના પરિવારજનોએ રાહત અનુભવી હતી.