કલ્યાણપરમાં મારામારી : સામસામે નોંધાઈ ફોજદારી

ગાળો બોલવાની ના પાડતા મામલો બિચકયો : સામસામે મારામારીમાં
ચાર ઘવાયા

નખત્રાણા : તાલુકાના કલ્યાણપર ગામે નજીવી બાબતે મામલો બિચકતા એક જ પરિવારનો સભ્યો મારામારી ઉપર ઉતરી આવ્યા હતા. લાકડીઓ વડે પ્રહારો કરાતા બન્ને પક્ષે ચાર વ્યકિતઓ ઘવાતા સામસામે ફોજદારી નોંધાઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ મામદ હુશેન અબ્દ્રેમાન સમેજા (ઉ.વ.રપ)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે મારામારીનો બનાવ ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યે કલ્યાણપર (તરા) ગામે બનવા પામ્યો હતો. આરોપી નૂરમામદ જાકબ મેર ગામમાં બધાને ગાળો બોલવાની ના પાડેલ. જે વાતનું મનદુઃખ રાખી આરોપીઓ નૂરમામદ જાકબ મેર, અભાસ જાકબ મેર તથા જાકબ સલેમાન મેરએ તેઓને ગાળો આપી લાકડી વડે મારમારી ઈજાઓ પહોંચાડતા તેઓને વચ્ચે પડી છોડાવવા આવેલા તેઓના ભાઈ ગુલામ હુશેનને પણ લાકડીઓ વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે નૂરમામદ જાકબભાઈ મેર (ઉ.વ.ર૩)એ જુસબ આમદ સમેજા, મામદ અબ્દ્રેમાન સમેજા, ગુલામ હુશેન અબ્દ્રેમાન સમેજા સામે પ્રતિ ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ અગાઉના બોલાચાલીનું મનદુઃખ રાખી ગાળો આપી તેઓ તથા તેઓના માતાને લાકડીઓ વડે મારમારી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા બન્ને પક્ષે સામસામે ગુન્હાઓ નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે સહાયક ફોજદાર રામભા ગઢવીએ ચક્રો ગતિમાન કરેલાનું પીએસઓ સવાભાઈ વાઘેલાએ જણાવ્યું હતું.