કલોલમાં રસ્તે ચાલતી જતી મહિલાના ગળામાંથી સ્નેચરો દોરો તફડાવી ફરાર

(જી.એન.એસ.)કલોલ,ગાંધીનગરનાં કલોલનાં પંચવતી પાસે ગઈકાલે મોડી સાંજે ભાઈના ઘરેથી પોતાના ઘરે પરત જતી રાહદારી મહિલાના ગળામાંથી રૂ. ૪૫ હજારની કિંમતનો સોનાનો દોરો તફડાવી ને બાઈક સવાર બે ઈસમો ફરાર થઈ જતાં કલોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે પરમેશ્વર રો હાઉસમાં રહેતા ૪૭ વર્ષીય ભીખીબેન જેપારામ પ્રજાપતિ ગઈકાલે તેમના ભાઈ રૂપાજીનાં ઘરે દ્વારકેશ બંગલો ખાતે ગયા હતા. ત્યારે સાંજે સાતેક વાગ્યાના અરસામાં ભીખીબેન ઘરે પરત જવા માટે નિકળ્યા હતા.પંચવટી સર્જન બંગલો મકાન નંબર ૯ આગળથી પસાર થઈ રહ્યા હતા. તે વખતે કાળા કલરના પલ્સર બાઇક પર બે ઈસમો અચાનક ભીખીબેનની એકદમ નજીક આવી ગયા હતા. જેનાં કારણે ભીખીબેન ગભરાઈ ગયા હતા. હજી તેઓ કાંઈ સમજે તે પહેલા જ બાઈકની પાછળ બેઠેલા ઈસમે તેમના ગળામાંથી એક તોલાના સોનાના દોરાની તફડંચી કરી લીધી હતી.આગળ બેઠેલા ઈસમે પૂરપાટ ઝડપે બાઇક હંકારી મૂક્યું હતું. અચાનક ઘટેલી ઘટનાથી ભીખી બેને બૂમાબૂમ કરીને બાઈકનો દોડીને પીછો કરેલો હતો પણ ચેઈન સ્નેચરો ભાગી ગયા હતા. ભીખી બેનની બૂમો સાંભળી આસપાસના વસાહતીઓ પણ દોડી આવ્યા હતા અને આસપાસના વિસ્તારમાં ચેઈન સ્નેચરોની શોધખોળ આદરી હતી. પરંતુ બન્નેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. આ અંગે ભીખી બેનની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.