કલસરીયાની એન્ટ્રીથી કોંગ્રેસને નુકશાન

ગાંધીનગર : લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં નેતાઓનું આવાગમન શરુ થયું છે. ગયા સપ્તાહે કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયા ભાજપમાં અને તેજ દિવસે ભાજપના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ કોંગ્રેસમાં જોડાયા હતા. તો આ સપ્તાહે કોંગ્રેસે મહુવાના પૂર્વ ધારાસભ્ય અને લોકસેવક કનુ કલસરિયાને કોંગ્રેસ
પક્ષમાં આવકાર્યા છે. કનુભાઇ દિલ્હીથી ગુરુવારે સવારે અમદાવાદ એરપોર્ટ ઉપર આવ્યા હતા. તેમણે કોંગ્રેસને ગુજરાત અને દેશમાં ભાજપનો મજબૂત વિકલ્પ ગણાવ્યો હતો.
ભાજપમાંથી આમ આદમી પાર્ટી અને આપમાંથી કોંગ્રેસમાં ગયેલા કનુ કલસરિયા હાથના સાથ સાથે ગુજરાત પરત ફર્યા છે. અમદાવાદ એરપોર્ટ ઉપર મીડિયા સાથે વાત કરતા કનુભાઇએ કહ્યું કે ઇતિહાસ જીવનની જેમ આગળ વધતો જતો હોય છે. ઘણા બધા અનુભવને અંતે એમ લાગ્યું કે ગુજરાતની અંદર અને દેશમાં ભાજપનો જોરદાર વિકલ્પ કોંગ્રેસ છે. તેમણે કબૂલ્યું કે આંદોલન સમયે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષ તરફથી ખૂબ મદદ મળતી હતી.
બાહ્ય દ્રષ્ટિએ કોંગ્રેસમાં કનુ કલસરિયાના આગમનથી ગુજરાતમાં કોંગ્રેસને ફાયદો થાય એવું લાગે પણ વર્ષોથી પાર્ટીમાં પરસેવો પાડી રહ્યા હોય એવા સ્થાનિક નેતાઓ જો પક્ષ પાસેથી ટિકિટની આશા રાખીને બેઠા હોય તેઓ નારાજ પણ થતાં હોય છે. કનુ કલ્સરિયાએ અમરેલીમાંથી ચૂંટણી લડવાની ઇચ્છા દર્શાવી છે ત્યારે અમરેલી લોકસભા મતવિસ્તારના ધારાસભ્ય અમરીશ ડેરે આ મુદ્દે પોતાનું મન કળાવા દીધું નથી.