કલબ ઓ-૭ ના ડિરેકટરના ઘરમાંથી રૂપિયા ૧૨ લાખના સોનાની ચોરી

(જી.એન.એસ), અમદાવાદ, શેલામાં આવેલી કલબ ઓ-૭ ના ડિરેકટરના આશ્રમરોડ સ્થિત ઘરમાંથી રૂપિયા ૧૨ લાખના સોનાની ચોરી થઈ છે. તેમના ઘરે ૧ વર્ષથી કામ કરતી નોકરાણી છેલ્લાં ૨ મહિનાથી આવતી ન હતી. જેથી નોકરાણીએ ચોરી કરી હોવાની શંકાના આધારે ડિરેકટરે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ધાવી છે.બોપલ-શેલામાં આવેલી કલબ ઓ-૭ના ડિરેકટર શ્રીનંદ હરિપ્રસાદ વ્યાસ(૫૩) આશ્રમરોડ સ્થિત રિવર વ્યુ સોસાયટીમાં તેમના પત્ની અને બે દીકરા ઈશાન અને પ્રિયમ સાથે રહે છે. ગત ૧૨ માર્ચ ૨૦૨૧ના રોજ તેમના પત્નીએ બેડરૂમમાં લાકડાના કબાટમાં પ્લાસ્ટિકની થેલીમાં ૨૦૦ ગ્રામ સોનાનું કડુ, ૫૦ ગ્રામ સોનાની બે બંગડી અને ૫૦ ગ્રામ સોનાની લગડી મળીને ૩૦૦ ગ્રામ સોનું મુક્યું હતું. કબાટની ચાવી તે જ રૂમના ડ્રોઅરમાં હતી. ગત ૨૫ ઓગસ્ટના રોજ દાગીના બનાવવા માટે સોનાની જરૂર હોવાથી પત્નીએ કબાટમાં જોયું તો, સોનું ભરેલી થેલી ન હતી. ઘરમાં બધા જગ્યાએ શોધખોળ કરી છતાં સોનું મળ્યું ન હતું.તેમના ઘરે છેલ્લાં ૧ વર્ષથી શાહપુરમાં રહેતાં પારૂલબેન સુનિલભાઈ ઠાકોર(૪૫) ઘરકામ કરવા આવતા હતા, પરંતુ ૨ મહિના પહેલાંથી પારૂલબેને શ્રીનંદભાઈના ઘરે કામ કરવાનું બંધ કરી દીધું હતું. કામવાળીને બાકી રહેલો પગાર લઈ જવા ફોન કરી જણાવ્યું, તેમ છતાં તે પગાર લેવા પણ આવતી નહોવાથી તેના પર આશંકા વધી છે.દીપાલીબેને કબાટમાં સોનું મુક્યું હોવાની વાત પરિવારના સભ્યો સિવાય બીજુ કોઇ જાણતું ન હતું. અસલ ચાવીથી કબાટ ખોલીને ચોરી કરવામાં આવી હતી. તેમના ઘરે કામ કરવા આવતા પારૂલબેને દાગીનાની ચોરી થયા બાદથી કામ પર આવવાનું બંધ કરી દીધું હતું.શ્રીનંદ વ્યાસે ચોરીની ફરિયાદમાં શકદાર આરોપી તરીકે નોકરાણી પારૂલબેનનું નામ લખાવતાં પોલીસની ટીમ પારુલબેનના ઘરે પહોંચી હતી, પરંતુ તેઓ ઘરે હાજર ન હતા. જેથી તેમને પોલીસ સ્ટેશન હાજર થવા સૂચના આપી છે