કર્ણાટકઃ ત્રણ લોકોને થયો કોરોનાઃ જોતજોતામાં ગામની અડધી વસ્તીને લાગી ગયો ચેપ

(જી.એન.એસ.) બેલગાંવ,કોરોના વાયરસનું બદલાયેલું સ્વરુપ કેટલું ખતરનાક છે તે કર્ણાટકના એક ગામમાં જોવા મળ્યું છે. રાજયના બેલગાવી જિલ્લાના આબનાલી ગામની અડધી વસ્તીને વાયરસનો ચેપ લાગી ગયો છે. વળી, આ લોકોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. આબનાલી ગામની વસ્તી ૩૦૦ છે, જેમાંથી ૧૪૪ લોકોનો એન્ટિજેન ટેસ્ટ કરાયો હતો અને તમામનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેમાંના મોટાભાગના મહારાષ્ટ્રમાં કામ કરતાં મજૂરો છે. મહારાષ્ટ્રમાં કડક નિયંત્રણો લાદી દેવાયા બાદ આ લોકો ગામ પરત ફર્યા હતા, પરંતુ તેઓ પોતાની સાથે કોરોનાનું ઈન્ફેકશન પણ લઈ આવ્યા છે. આ નાનકડા ગામના લોકો મોટાભાગે મહારાષ્ટ્ર કે ગોવા કામકાજ માટે જતાં હોય છે. જોકે, હાલ તો અડધું ગામ કોરોનાગ્રસ્ત થઈ જતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
જિલ્લા હેલ્થ ઓફિસર શશિકાંત મુનિયાલે જણાવ્યું હતું કે, ગ્રામજનોના ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, અને હાલ આખા ગામને પણ સીલ કરી દેવાયું છે. તમામ કામગીરી પૂરી ના થાય ત્યાં સુધી ગામમાંથી ના તો કોઈ બહાર જઈ શકશે કે ના ગામની અંદર કોઈ આવી શકશે. સ્થાનિક તંત્રને શંકા છે કે મહારાષ્ટ્રથી પરત ફરેલા લોકોને લીધે ગામમાં કોરોના ફેલાયો છે.ગામના લોકો લગભગ રોજેરોજ બોર્ડર ક્રોસ કરીને મહારાષ્ટ્ર કે ગોવા જતાં હોય છે. જોકે, તેમનું ભાગ્યે જ કોઈ સ્ક્રિનિંગ કરાતું હોય છે. મંગળવારે ગામના કેટલાક લોકો હળવા તાવ અને કળતરની ફરિયાદ સાથે સરકારી આરોગ્ય કેન્દ્ર પર પહોંચ્યા હતા. અચાનક મોટી સંખ્યામાં લોકોને તાવ આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું, અને લોકોના કોન્ટેકટ ટ્રેસિંગ કરીને કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં બહાર આવ્યું હતું કે ગામની અડધી વસ્તી કોરોનાગ્રસ્ત થઈ ચૂકી છે.ગામમાં રહેતા એક વ્યકિતના જણાવ્યા અનુસાર, ૧૦ એપ્રિલે ગામમાં ત્રણ લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પણ તંત્ર દ્વારા તેમના સંપર્કમાં આવેલા લોકોની તપાસ નહોતી કરાઈ. બીજી તરફ, ગામમાં ત્રણ કેસ આવ્યા બાદ પણ લોકો દ્યરમાં રહેવાને બદલે ગામમાં ફરતા રહ્યા હતા, જેના કારણે થોડા દિવસોમાં જ મોટાભાગના લોકોને તાવ તેમજ કળતર થવા લાગ્યું હતું. ત્યારબાદ ૨૩ લોકો તાવ અને કળતરની ફરિયાદ સાથે ટેસ્ટ કરાવવા પહોંચ્યા હતા.જે લોકોને તાવ આવ્યો હતો તેમના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ગામમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ૨૩ કેસ સામે આવ્યા બાદ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું. કોરોનાના દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોના પણ ટેસ્ટ કરાયા હતા, અને તેમાં ગામની ૩૦૦ લોકોની વસ્તીમાંથી ૧૪૪ લોકોને કોરોનાનો ચેપ લાગી ગહો હોવાનું સામે આવ્યું હતું.