કરૂણા પ્રોજેકટ અંતર્ગત પક્ષી બચાવ કેન્દ્રનું સાંસદે કર્યું ઉદ્દઘાટન

પશુપાલન ખાતુ, વન વિભાગ અને રોટરી કલબના સંયુક્ત
ઉપક્રમે આયોજન

ભુજ : મકરસંક્રાંતિના પર્વ નિમિતે રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત ઠેર-ઠેર પક્ષી બચાવ કેન્દ્ર શરૂ કરાયા છે. જે અન્વયે ભુજ હાટ પાસેના પશુ ચિકિત્સા કેન્દ્ર ખાતે સાંસદ વિનોદ ચાવડાના હસ્તે પક્ષી બચાવ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.રોટરી કલબ ઓફ ભુજ દ્વારા જિલ્લા પશુપાલન ખાતા તેમજ વન વિભાગના સહયોગથી પક્ષી બચાવ કેન્દ્ર શરૂ કરાયું છે. સાંસદ વિનોદ ચાવડાએ પક્ષી બચાવ કેન્દ્રને ખુલ્લું મૂકતા રાજ્ય સરકારના કરૂણા અભિયાનને બિરદાવ્યું હતું. લોકોને પણ પતંગ ચડાવતી વખતે તકેદારી રાખવા અને પક્ષીઓને કોઈ નુકશાની ન થાય તેવી અપીલ તેમણે કરી હતી. જો કોઈ પક્ષીઓ ઘવાયેલા જોવા મળે તો તાત્કાલિક પક્ષી બચાવ કેન્દ્રમાં સારવાર અપાવી જીવદયાના કાર્યમાં યોગદાન આપે તેવી અપીલ સાંસદ વિનોદ ચાવડાએ કરી હતી. આ પક્ષી બચાવ કેન્દ્રમાં આર્થિક સહયોગ સુરેશ મણીલાલ ઠક્કર દ્વારા અપાયો છે. જેમાં પક્ષીઓની સારવાર કરવા માટે તબીબી સ્ટાફ સહિતના વોલીન્ટરો દ્વારા સેવા કરવામાં આવશે. ર૪ કલાક કાર્યરત રહેનારા આઈસીયુ યુનિટ દ્વારા પણ પક્ષીઓની સારવાર કરવામાં આવશે. જેમાં પશુપાલન ખાતાના ડો. હરેશ ઠક્કર, ડો. કુલદીપ છાટપાર, ડો. મુકુલ ઠાકર, ડો. વીર પરીખ સહિતની ટીમો સેવા આપશે. તો કચ્છ વન વર્તુળના એસીએફ અતુલ દવે, આરએફઓ જી.બી. ગઢવી, જી.બી. વાણીયા, એસ.કે. અબોટી, એસ.આર. રાઠોડ સહિતના જહેમત ઉઠાવશે. આ પ્રસંગે નગરપતિ અશોક હાથી, રોટેરિયન મોહનભાઈ શાહ, પ્રફુલ્લ ઠાકર, ચંદ્રકાન્ત વોરા, સુનીલ માંકડ, ડો. વસા, ડો. મુકેશ ચંદે, દિલીપ ઠાકર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.