કમલમ્‌માં મંથન શરૂ : હવે સંગઠનને કરાશે દોડતું

મોરચાના પદાધિકારીઓ સાથે પ્રમુખ વાઘાણીની અલગથી બેઠક, તમામમાં વી. સતિષ હાજર રહેશે : આજે શ્રેણીબદ્ધ બેઠકોઃ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી હાજર રહેશે

 

ગાંધીનગર : ભારતીય જનતા પાર્ટી, પ્રદેશ એકમની ગયા મહિને મળેલી બે દિવસની ચિંતન શિબિરમાં લોકસભા ૨૦૧૯ની ચૂંટણી સંદર્ભે થયેલા મંથનને આધારે હવે સરકાર અને સંગઠનને દોડતાં કરવા માટે વિવિધ કાર્યક્રમો ઘડી કાઢવા ગુરુવારે પ્રદેશ કાર્યાલય શ્રીકમલમ્‌ ખાતે શ્રેણીબદ્ધ બેઠકો યોજાનાર છે. આ બેઠકો પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં તથા રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી. સતિષની ઉપસ્થિતિમાં શરૂ થઈ જવા પામી ગઈ છે.
લોકસભાની ચૂંટણી સંદર્ભે યોજાયેલી બે દિવસની ચિંતન શિબિરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે સમાપન સત્રમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. ભાજપના વિચારો, કેન્દ્રમાં નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં વિજય રૂપાણી અને નીતિનભાઇ પટેલના વડપણ હેઠળની સરકારની લોકપયોગી યોજનાઓ, જનહિતના કાર્યક્રમોને જન જન સુધી પહોંચાડવા તેમજ પ્રત્યેક બુથમાં કમળ ખિલવવા માટે કેવી રીતે માઇક્રો મેનેજમેન્ટ કરવું તેનો રોડ મેપ આપ્યો હતો. હવે આ મંથનના આધારે સંગઠનના વિવિધ સ્તરને કેવી રીતે સક્રિય કરી દોડતું કરવું તેના અંગે કાર્યક્રમો ઘડી કાઢવા ગુરુવારે પ્રદેશની બેઠક યોજવામા આવી રહી છે. ગુરુવારે સવારે ૧૦.૩૦ વાગે પ્રદેશના મુખ્ય આગેવાનોની બેઠક શરૂ થવા પામી છે. ત્યાર બાદ બપોરે ૨ વાગે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલા, સહ સંગઠન મહામંત્રી વી. સતિષ, પ્રદેશ મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાની ઉપસ્થિતિમાં પ્રદેશ બેઠકનો આરંભ થશે. આ બેઠકમાં કોર ટીમના સભ્યો, પ્રદેશ મોરચાના પ્રમુખ, જિલ્લા મહાનગરોના પ્રભારી, પ્રમુખ, મહામંત્રીઓ ઉપસ્થિત રહેશે.સાંજે ચાર વાગ્યા પછી પ્રદેશના સાત મોરચાના તમામ પદાધિકારીઓની એક અલગથી બેઠક થશે. અલબત્ત આ બેઠકમાં સીએમ અને ડેપ્યુટી સીએમ ઉપસ્થિત રહેશે નહીં.