કડોલ નજીક ૩.૭ના આંચકાથી ફરી એક વખત ધરા ધ્રુજી

સવારે ૭ઃરપ મિનિટે આવેલા આંચકાથી લોકો ઉંઘમાંથી સફાળા જાગ્યા

ભુજ : વાગડથી લઈ પશ્ચિમ કચ્છ સુધી અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે ત્યારે વધુ એક વખત આંચકાથી કચ્છની ધરા ધ્રુજી ઉઠી છે. આ વખતે દુધઈ પાસે ભૂકંપનો આંચકો નોંધાયો છે.ગાંધીનગર સિસ્મલોજી કચેરીથી મળતી માહિતી પ્રમાણે આજે સવારે ૭ઃરપ મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો હતો. દુધઈથી ૧૯ કિ.મી. દૂર કડોલ નજીક ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું. ૩.૭ની તીવ્રતાનો આંચકો આવતા લોકોએ ભૂકંપનો અનુભવ કર્યો હતો. સવારના સમયે આવેલો આંચકો કચ્છના અનેક વિસ્તારોમાં અનુભવાયો હતો. ખાસ વાત એ છે કે, આ વિસ્તારની આસપાસ આવેલા, નેર, અમરાપર, ધમડકા, બનિયારી, કબરાઉ સહિતના ગામોમાં પણ લોકોએ ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો. અવાર-નવાર કચ્છની ધરા ધ્રુજતી હોય છે જે ઘણી ચિંતાજનક બાબત છે.