કડોલના સરપંચને મારી નાખવાની ધમકી

ભરૂડીયામાં શિક્ષકને અપમાનીત કરતા દારૂડીયા સામે નોંધાઈ એટ્રોસીટી

ગાંધીધામ : પૂર્વ કચ્છના ભચાઉ ખાતે નવા બસ સ્ટેશન પાસે કડોલના સરપંચને અપમાનીત કરી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી તો ભરૂડીયા ગામે પ્રાથમિક શાળાના શિક્ષકને દારૂડીયા શખ્સે ગાળો આપી જાતિ અપમાનીત કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફોજદારી નોંધાઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ નાનજીભાઈ વેલાભાઈ ચૌહાણ (ઉ.વ.૩૭) (રહે. કડોલ, તા.ભચાઉ)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે, તેઓ કડોલ ગામના સરપંચ છે. ગત તા. ૧૧-૩-૧૮ના સાંજે ચાર વાગ્યે ભચાઉ નવા બસ સ્ટેશન પાસેના ચાર રસ્તે હતા ત્યારે કડોલ ગામના હીરા કરશન ઢીલાએ તેઓને કહેલ કે તારાથી જેટલી ફરિયાદો થાય તેટલી કરી લેજે તેવું જણાવી અગાઉની ફરિયાદનું મનદુઃખ રાખી તેઓને ગૂમ કરાવી નાખીશ અને તારી લાશ પણ નહીં મળે તેવું કહી ગાળો આપી જાતિ અપમાનીત જેવા શબ્દો બોલી અપમાનીત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બીજીતરફ ભરૂડીયા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે રાજેન્દ્રકુમાર સોમાજી પારગી (ઉ.વ.૪૦) ગત તા. ૧ર-૩-૧૮ના બપોરના એક વાગ્યે પોતાની ફરજ ઉપર હતા ત્યારે રવેચીનગર ભરૂડીયા રહેતા અનિરૂદ્ધસિંહ ચંદુભા જાડેજા દારૂ પીધેલ હાલતમાં શાળામાં આવી બાલુ મારાજને બોલાવવા કહેતા રાજેન્દ્રકુમારે ના પાડતા આરોપી અનાપ – સનાપ બોલી જાતિ અપમાનીત કરી ગાળો આપતા શાળાના શિક્ષકો વિક્રમપુરી તથા બાલુભાઈએ સમજાવીને પરત મોકલી આપેલ ત્યાર બાદ ફરીથી સાંજે પાંચ વાગ્યે શાળાએ આવી બાલુ મારાજને કોલરશીપ બાબતે ફોન કરાવી તમારી એસએમસીની મીલીભગત હોવાનું જણાવી શિક્ષક રાજેન્દ્રકુમાર પારગીને ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનીત કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભચાઉ પોલીસે આરોપી સામે એટ્રોસીટીની કલમો તળે ગુનો નોંધી બન્ને કેસોની તપાસ ગાંધીધામ એસ.સી./એસ.ટી. સેલના નાયબ પોલીસ અધિક્ષક શ્રી સૈયદે હાથ ધરેલાનું પીએસઓ હસમુખભાઈ લેઉઆએ જણાવ્યું હતું.