કડાદરા રોડ પર આવેલ ફેક્ટરીમાંથી ૧.૩૩ લાખના મુદ્દામાલ સાથે ચાર જુગારી ઝડપાયા

(જી.એન.એસ)દહેગામ,ગાંધીનગરના દહેગામ તાલુકાના ઝાક જીઆઈડીસી કડાદરા રોડ પર આવેલી નારાયણ ફાઉન્ડ્રી નામની ફેકટરીમાં પ્લાસ્ટિકના કોઈન થકી જુગારની બાઝી રમી રહેલા ચાર વેપારીઓને દહેગામ પોલીસે રંગેહાથ હાથ ઝડપી લઈ રૂ. ૧.૧૮ લાખની રોકડ તેમજ જુગાર સાહિત્ય, મોબાઈલ ફોન મળી રૂ. ૧.૩૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે. જ્યારે ખોરજ ગામમાંથી પણ અડાલજ પોલીસે ચાર જુગારીઓને ઝડપી લઈ રૂ. ૧૪ હજારનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.ગાંધીનગર દહેગામ પોલીસ મથકની હદમાં આવેલ ઝાક જીઆઇડીસી કડાદરા રોડ પર આવેલી નારાયણ ફાઉન્ડ્રી નામની ફેકટરીમાં કેટલાક જુગાર ધામ ચાલતું હોવાની બાતમી મળતાં દહેગામ પોલીસ ઈન્સ્પેક્ટર જે. કે. પટેલે સ્ટાફના માણસો સાથે દરોડો પાડયો હતો. ફેક્ટરી પર પહોંચતા દરવાજો અંદરથી બંધ હોવાથી પોલીસે દરવાજો ખોલાવી અંદર પ્રવેશ કર્યો હતો.ફેક્ટરીની ઓફિસમાં ચાર ઈસમો ગુલાબી રંગના પ્લાસ્ટિકના કોઈન મારફતે જુગાર રમતા મળી આવ્યા હતા. જેનાં પગલે પોલીસે રાકેશ ધીરજલાલ પાનસુરીયા, રાજુ વીરમભાઈ ગોરસીયા, રાકેશ મગનભાઈ પટેલ (રહે. સુકેતું રેસિડેન્શિ, નિકોલ, અમદાવાદ) તેમજ ગિરીશ ધીરજભાઈ પાનસુરીયાં (રહે. સુકીત એપાર્ટમેન્ટ, મેમનગર અમદાવાદ)ની ધરપકડ કરી લીધી હતી.આ ચારેય જુગારીયા વેપારીઓની અંગ ઝડતી લેતા રાકેશ પાસેથી રૂ. ૨૦ હજાર ૬૧૦, રાજુ ગોરસીયા પાસેથી રૂ. ૨૬ હજાર ૨૩૦, ગિરીશ પાસેથી રૂ. ૫૮ હજાર ૭૪૦ તેમજ રાકેશ પટેલ પાસેથી રૂ. ૧૨ હજાર ૪૨૦ ની રોકડ રકમ મળી કુલ. રૂ. ૧.૧૮ લાખની રોકડા તેમજ મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૧.૩૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.