કચ્છ PGVCLને સરકારી કચેરીઓએ આપ્યો પ૮ કરોડનો કરંટ

મે મહિનાના અંતની સ્થિતિએ જિલ્લામાં સામાન્ય ઘરગથ્થુ અને કોમર્શિયલ વીજ વપરાશના ભરણાની પ૧.૮ કરોડની રકમ બાકી : જોકે, નગરપાલિકા, પાણી પુરવઠા સહિતની અન્ય સરકારી કચેરીઓના બાકી વીજ બિલનો આંક પ૮ કરોડને પાર : ગ્રાહક છ મહિના બિલ ન ભરે તો જીઈબીવાળા લાઈટનું કનેક્શન કટ કરી નાખે, પરંતુ સરકારી કચેરીઓ વર્ષોથી બિલ ભરતી નથી છતાં પાવર કટની કાર્યવાહીમાં કોની નડે છે શરમ ?

ભુજ : આજના આધુનિક સમયમાં વીજળી જીવન જરૂરિયાત માટે અભિન્ન અંગ બની ગઈ છે. પહેલાના સમયમાં જીવન જીવવા માટે ત્રણ ચીજો મુખ્ય હતી રોટી, કપડા અને મકાન અને આજના ર૧મી સદીના યુગમાં વીજળી જીવન જીવવા માટે અનિવાર્ય બની ગઈ છે. વીજળી ન હોય તો અનેક લોકો માનસિક રીતે ત્રસ્ત પણ થઈ જતા હોય છે. વીજળીના વપરાશ માટે પીજીવીસીએલ વિભાગ દ્વારા દર બે મહિને ગ્રાહકોના ઘરે બિલ મોકલવામાં આવે છે. ઘણા ગ્રાહકો રેગ્યુલર બિલ ભરપાઈ કરી પીજીવીસીએલની વિદ્યુત સેવાનો ઉપયોગ કરે છે. જોકે, આજે પણ ઘણા ગ્રાહકો એવા છે જે સમયસર બિલ ભરપાઈ ન કરી શકે તો જીઈબીના કર્મચારીઓ તેમના ઘરે પાવર કટ કરી નાખે છે, પરંતુ સરકારી કચેરીઓમાં વર્ષોથી પીજીવીસીએલ પાવર સપ્લાય કરે છે, પરંતુ ખુદ સરકરી વિભાગોએ જીઈબીને બિલ પેટે ફદીયું પણ ચૂકવ્યું નથી, પરિણામે પીજીવીસીએલને જ પ૮ કરોડનો કરંટ લાગ્યો છે.આ અંગેની વિગતો મુજબ કચ્છમાં પીજીવીસીએલના મુખ્ય બે સર્કલ ભુજ અને અંજાર છે. તમામ સબડિવિઝન અને ડિવિઝનલ કક્ષાએ ઘરગથ્થુ અને કોમર્શિયલ વપરાશોના ભરણા બાકી બોલે છે. મોટા ભાગના ગ્રાહકો રેગ્યુલર બિલ ચૂકવે છે, પરંતુ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં અમુક લોકો વીજપોલમાં લંગરિયા નાખી બારોબાર વીજચોરી કરતા હોય છે, તો અમુક લોકો એવા છે જે બિલ ભરપાઈ કરતા નથી. અગર તેમના ઘરે કનેક્શન કટ કરવામાં આવે ત્યારે પોતાની રીતે કનેક્શન રી-જોઈન્ટ પર કરી નાખતા હોય છે. ગ્રાહકો સામે આકરૂં વલણ દાખવી ૬ મહિના સુધી બિલની ભરપાઈ ન થાય તો કનેક્શન પણ કટ કરવામાં આવે છે, પરંતુ પીજીવીસીએલને લેણા રૂપી કરંટ આપતી સરકારી કચેરીઓ સામે કાર્યવાહી કરવામાં કોની શરમ નડે છે ? તે સવાલનો જવાબ ખુદ અધિકારીઓ પણ આપી રહ્યા નથી.જલ્લામાં દરેક તાલુકામાં સરકારી કચેરીઓ તેમજ ૭ નગરપાલિકા, પાણી પુરવઠાના સમ્પ, જીડબલ્યુઆરડીસી સહિતના સરકારી વિભાગો પીજીવીસીએલની લાઈટ વાપરે છે. નગરપાલિકા વિસ્તારની વાત કરીએ તો શહેરીજનોને પાણી અને રોડલાઈટની સુવિધા મળે છે, જેની સામે નગરજનો ટેક્સ પણ ભરે છે. આ ટેક્સની રકમ નગરપાલિકાએ વીજળીના વપરાશ પેટે જીઈબીને ચૂકવવાને બદલે પોતાના ભંડોળમાં વાપરી નાખી છે.પરિણામે દેવુ સતત વધી ગયું. હાલની સ્થિતિએ નગરપાલિકાઓ ઉપર કરોડો રૂપિયાનું દેવુ હોવાથી તેઓ ભરપાઈ કરવામાં પણ અસમર્થ છે તો અન્ય સરકારી કચેરીઓ કે જેની નિભાવણી માર્ગ – મકાન વિભાગ હસ્તક થાય છે ત્યાં પણ લેણાની રકમ બાકી છે.પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર એ.એસ. ગરવાએ જણાવ્યું કે, મે મહિનાની અંતની સ્થિતિએ જિલ્લામાં સરકારી કચેરીઓ સિવાયના ગ્રાહકો પાસેથી વીજ લેણા પેટે પ૧.૮ કરોડ વસૂલવાના બાકી છે. જ્યારે સરકારી કચેરીઓ નગરપાલિકા, પાણી પુરવઠા સહિતના વિભાગો પાસેથી વીજળીના વપરાશ પેટે પ૮.૩ર કરોડ જેટલી રકમ વસૂલવાની થાય છે, જેમાં ભુજ ડિવિઝનમાં પ૦.૭૧ કરોડ, માંડવી ડિવિઝનમાં ૭.૪૯ કરોડ અને નખત્રાણા ડિવિઝનમાં અંદાજે ૧૧.૪૦ લાખ જેટલી રકમનો સમાવેશ થાય છે. કોવિડના કારણે વીજ લેણાના વસૂલાતની કામગીરી મુલત્વી રખાઈ હતી. હાલમાં જ્યારે કેસો ઘટ્યા છે ત્યારે ફરીથી લેણા વસૂલાત માટે કનેક્શન કપાત સહિતની કામગીરી કરવામાં આવશે તેવું ઉમેર્યું હતું.