• મોંઘવારી, મંદી અને કોરોના કાળ છતાં…

ર૦૧૭-૧૮માં ૩૮ર૪.૬પ લાખની આવક સામે ર૦ર૦-ર૧માં પ૯૬ર.પ૪ લાખની રકમ થઈ તિજોરીમાં જમા : પોર્ટ ક્ષેત્રની આવકમાં થઈ રહેલો સતત વધારો : રાજયના તંત્રની આવકમાં મસમોટું ગાબડું પરંતુ કચ્છના તંત્રને લીલાલહેર


(બ્યુરો દ્વારા)ભુજ : બેકાબુ મોંઘવારી, મંદી તેમજ કોરોનાકાળને પગલે અર્થતંત્રને મસમોટો ફટકો પડયો છે. ધંધા, રોજગારે પોતાની ગતિ ગુમાવી દેતા એક તરફ પ્રજાને પોતાના ખર્ચા પર કાપ મુકવાની ફરજ પડી છે. બીજીતરફ સરકારની તિજોરીમાં પણ આવકનું ગાબડું પડયું છે. રાજયમાં સ્ટેમ્પ ડયુટીની આવકમાં મસમોટો ઘટાડો નોધાયો છે. જો કે કચ્છ સ્ટેમ્પ ડયુટીની આવકમાં સતત તેજીના ઘોડા દોડી રહ્યા તેવુ સ્ટેમ્પ ડયુટીના કચ્છના વડા કલ્પેશ કોરડીયાએ જણાવ્યું હતું.આ અંગેની વિગતો આપતા શ્રી કોરડીયાએ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં ઔદ્યોગિક ધમધમાટ ઉપરાંત બે મેજર પોર્ટ પર આવેલા હોઈ કરવેરા રૂપે વિવિધ તંત્રની તિજોરીઓમાં દર વર્ષે કરોડોની રકમ ઠલવાતી હોય છે. જિલ્લામાં અન્ય વિભાગોની સાથોસાથ સ્ટેમ્પ ડયુટી તંત્રની આવકમાં પણ પ્રતિવર્ષ સતત વધારો થતો જઈ રહ્યો છે. કચ્છ સ્ટેમ્પ ડયુટી તંત્રની આવકની વિગતે વાત કરીએ તો ર૦૧૭-૧૮માં ૩૮ર૪.૬પ લાખની રકમ તિજોરીમાં જમા થઈ હતી, જેની સામે ર૦ર૦-ર૧માં પ૯૬ર.પ૪ લાખની રકમ જમા થઈ હતી. સ્ટેમ્પ ડયુટી તંત્રને કલમ ૩ર (ક), કલમ ૩૩ એજી, પીએસી, રેવન્યુ નોંધ, ખાણ ખનિજ, પોર્ટ સહિતના ક્ષેત્રમાંથી થતા કેસોમાંથી આવક પ્રાપ્ત થતી હોય છે.અગાઉ મંદી અને ગત વર્ષથી ચાલી રહેલા કોરોના કાળના પગલે ધંધા – રોજગાર મંદ થતા રાજયના સ્ટેમ્પ ડયુટી તંત્રની આવકમાં મસમોટું ગાબડું પડયું છે. પરંતુ કચ્છમાં પોર્ટ ક્ષેત્રે આયાત – નિકાસમાં થઈ રહેલા સતત વધારા ઉપરાંત ઔદ્યોગીક ધમધમાટ પણ તેજ બની રહ્યો હોઈ સ્ટેમ્પ ડયુટીની આવકમાં સતત વધારો થતો જઈ રહ્યો છે.