કચ્છ સાથે નાતો ધરાવતા રાજ શાહની વ્હાઈટ હાઉસમાં નિમણૂંક

રાષ્ટ્રપતિ અને પ્રિન્સીપલ નાયબ પ્રેસ સેક્રેટરીના ડેપ્યુટી સહાયક પદે બજાવશે ફરજ : રાજ શાહના માતા ભુજપુરના વતની : તેમનું પરિવાર ૧૯૮૦ના દાયકામાં યુ.એસ.માં થયું સ્થાઈ

ભુજ : વૈશ્વિક મહાસત્તા અમેરિકાના વ્હાઈટ હાઉસમાં ભારતીય મૂળના અમેરિકન રાજ શાહની નિમણૂક કરી છે જે કચ્છ સાથે નાતો ધરાવે છે. વ્હાઇટ હાઉસના એક નિવેદનમાં જણાવાયું છે કે રાજ શાહ રાષ્ટ્રપતિ અને પ્રિન્સીપલ નાયબ પ્રેસ સેક્રેટરીના ડેપ્યુટી સહાયક તરીકે સેવા આપશે. શાહ અગાઉ પ્રમુખ અને નાયબ કોમ્યુનિકેશન્સ ડિરેક્ટરના ડેપ્યુટી સહાયક તરીકે સેવા બજાવી ચુકયા છે. રાજ શાહ, ૨૩ જાન્યુઆરીના રોજ અમેરિકાના ૪૫ મા રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધાના થોડા કલાકોમાં વ્હાઇટ હાઉસમાં પહોંચ્યા હતા. તેઓને ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના વ્યક્તીઓમાંથી એક ગણાવમાં આવે છે. એપ્રિલમાં વ્હાઈટ હાઉસમાં વેસ્ટ વિંગ પાવર પ્લેયરમાંની એક મહત્વની વ્યક્તી તરીકે તેમને ઓળખવામાં આવી હતી, જેમાં હોપ હોક્સ અને એલી મિલરનો સમાવેશ થતો હતો. કનેક્ટિકટમાં જન્મેલા અને ઉછરેલા રાજ શાહના માતાપિતા ૧૯૮૦ ના દાયકામાં યુ.એસ.માં સ્થાયી થયા હતા. તેમના માતાપિતા ગુજરાતમાંથી છે. તેમના પિતાએ એન્જીનીયર તરીકે કારકીર્દી ઘડયા બાદ નાની ઉંમરે મુંબઈમાં રહેવા ગયા હતા. જ્યારે તેમના માતા કચ્છના ભુજપુરના હતા. વ્હાઇટ હાઉસમાં જતા પહેલાં રાજ શાહ રિપબ્લિકન નેશનલ કમિટીમાં વિરોધ પક્ષના સંશોધન અધિકારી હતા.