કચ્છ સહિત રાજ્યભરમાં મા-વાત્સલ્ય કાર્ડના શંકાસ્પદ કેસોની તપાસ કરવા આદેશ

  • કોરોના કાળમાં નકલી કાર્ડ કાઢવાનું નેટવર્ક ઝડપાતા

બોગસ આવકના પુરાવા તથા અન્ય નકલી દસ્તાવેજને આધારે વડોદરા, સુરત, જામનગર અને હવે અમરેલીમાંથી કાર્ડ મળ્યા : જિલ્લાનું આરોગ્ય તંત્ર આવ્યું હરકતમાં

ભુજ : કોરોનાની બીજી લહેરથી સરકારી હોસ્પિટલો હાઉસફુલ થઈ જતા ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને સારવાર લેવા માટે સરકાર દ્વારા નાગરિકોને સારી આરોગ્ય સેવા મળે તે માટે મા કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ અને પીએમજેએવાય કાર્ડની યોજના અમલમાં મૂકી હતી, જેમાં નાગરિકોને તેમની લાયકાત અને પસંદગીના આધારે મેડિકલ ટ્રીટમેન્ટ વિનામૂલ્યે આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી હતી, અલબત આ માટે લાભાર્થીએ જરૂરી દસ્તાવેજો રજૂ કરવાનું જણાવાયું હતું. આ યોજનાનો બોગસ દસ્તાવેજોના આધારે અમુક વ્યક્તિઓએ લાભ લીધો હતો. નકલી મા કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડ કાંડમાં સૌ પ્રથમ વડોદરા, સુરત, જામનગર અને અમરેલીમાં પર્દાફાશ થતા રાજય સરકારે રાજ્યવ્યાપી તપાસનો આદેશ કરતા કચ્છનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. રાજ્યમાં હાલ ૩.ર૦ કરોડ જેટલા મા કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડ ધારકો છે. તો કચ્છમાં પણ ૧.૬૦ લાખ કાર્ડ ધારકો છે, જે સરકારની આરોગ્ય યોજનાનો લાભ લે છે. આ આંકડો સમયાંતરે વધઘટ થતો હોય છે.આ અંગેની વિગતો મુજબ કોરોના કાળમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર માટે નકલી ‘મા કાર્ડ’ અને ‘મા વાત્સલ્ય કાર્ડ’ કાઢવાના રાજ્ય વ્યાપી રેકેટનો રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. ડાયરેકટર ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, (ડીએમઈઆર) ગાંધીનગરના મેડિકલ સર્વિસીસના એડિશનલ ડિરેકટર ડો. હિતેન્દ્ર ભાવસાર જણાવે છે કે, અગાઉ આ કામગીરી અન્ય ખાનગી એજન્સીને સોંપાઈ હતી. આરોગ્ય વિભાગની સિસ્ટમમાં કેટલાક સ્થળેથી નવા મા કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડ માટે અપલોડ થયેલા મામલતદાર અથવા ટીડીઓ દ્વારા અપાયેલા આવકના પુરાવા નકલી હોવાનું કે તેમાં છેડછાડ થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તે અંગે સઘન તપાસ શરૂ કરી હતી. જેમાં ડિસેમ્બર ર૦ર૦માં વડોદરામાં ૪૦ જેટલા મા કાર્ડ નકલી બનાવવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. જેમાં કોઈ એજન્ટની સામેલગીરી જાણવા મળી હતી. વડોદરાના ચીફ ડિસ્ટ્રીકટ હેલ્થ ઓફિસર (સીડીએચઓ)ને આ અંગે તપાસ સોંપી અને પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે.’’ આરોગ્ય વિભાગના જ એક અધિકારીએ જણાવ્યું છે કે,‘‘કોરોના કાળમાં કેટલાય રોજગાર ધંધા બંધ થઈ ગયા છે. વળી પોતાના સ્વજનને કોરોનાની સારવાર ખાનગી હોસ્પિટલમાં મળે તે દરેક વ્યકિત ઈચ્છે એ સ્વાભાવિક છે. મા કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડ દ્વારા ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર મળે છે. એ વાતનો ફાયદો ઉઠાવી કેટલાક એજન્ટોએ લોકો માત્ર રૂા.ર૦૦થી ૧૦૦૦માં મા કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડ કાઢી આપવાનું શરૂ કર્યું હોવાનું આરોગ્ય વિભાગને ધ્યાને આવ્યું હતું. હજુ એક અઠવાડિયા અગાઉ જ અમરેલીના મોટા માન્ડવડા ગામે એક ખાનગી વ્યકિત દ્વારા મા કાર્ડ કાઢતી એજન્સીના કર્મચારીનો આઈડી, પાસવર્ડ મેળવી રૂા.ર૦૦નું એક એવા ૩ ડઝન નકલી મા કાર્ડ કાડ્યા છે. જેમાં એજન્ટે મામલતદાર અને ટીડીઓના ખોટા આવકના પુરાવા બનાવ્યા હોવાનું બહાર આવ્યું છે. આ ઘટના બાદ રાજય સરકારે દરેક જિલ્લાને તપાસનો આદેશ આપ્યો હતો.આ બાબતે કચ્છના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનકકુમાર માઢકને પુછતા કચ્છમાં અંદાજે ૧.૬૦ લાખ જેટલા મા કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડ ધારકો છે, જેમાં સમયાંતરે વધઘટ થતી રહેતી હોય છે. વડોદરા સહિત રાજ્યના ચાર જિલ્લામાં બોગસ મા વાત્સલ્ય કાર્ડ કૌભાંડ આવ્યા બાદ સરકારે દરેક જિલ્લામાં તપાસ કરવાના આદેશ જારી કર્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજય સરકારના આદેશ બાદ કચ્છમાં પણ નકલી મા કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડની તપાસ શરૂ કરવાના આદેશ આપી દેવાયા છે. હજુ સુધી આવો કોઈ કેસ જિલ્લામાં બહાર આવ્યો નથી. જો કે, તપાસ પૂર્ણ થયા બાદ જ કચ્છમાંથી કોઈ બોગસ કાર્ડ બનાવાયા છે કે નહીં તે બહાર આવી શકે તેમ છે.

મા કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડ કોને મળે, શું લાભ થાય છે ?
મા કાર્ડ : મા કાર્ડ અંતર્ગત લાભાર્થીને રૂા.પ લાખનો મેડિકલેઈમ મળે છે. જેમાં રજિસ્ટર્ડ હોસ્પિટલમાં નક્કી કરેલી મેડિકલ ટ્રીટમેન્ટ જેમ કે કેન્સરની સારવાર, સર્જરી, કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, યુરોલોજી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ જેવી સારવાર મળે છે. જેમાં સોશિયો ઈકોનોમિક સેન્સર્સમાં ઈકોનોમિક બેકવર્ડ તરીકે નોંધાયેલા પરિવારો, બીપીએલ કાર્ડ ધારક, એસસી, એસટીના એક ફેમિલીમાં વધુમાં વધુ પ સભ્યોને તેનો લાભ મળે છે.મા વાત્સલ્ય કાર્ડ : મા વાત્સલ્ય કાર્ડમાં ૪ લાખ સુધી કે તેથી ઓછી આવક ધરાવતા સરકારી કર્મચારી, વર્ગ -૩, પત્રકાર, આશાવર્કર જેવા કર્મચારીઓને મા વાત્સલ્ય કાર્ડ અંતર્ગત સરકારે નક્કી કરેલી તબીબી સારવાર રજિસ્ટર્ડ હોસ્પિટલમાં મળે છે. જેમાં આવકના પુરાવા તરીકે મામલતદારનું અથવા ટીડીઓ દ્વારા અપાયેલું આવકનું પ્રમાણપત્ર રજૂ કરવું પડે છે.